બાબરા, તા.૬
બાબરાના ગમા પીપળીયા ગામે મારામારીના મનદુઃખમાં બે પક્ષોમાં બબાલ થઈ હતી અને બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રણજીતભાઈ લાખાભાઈ વાઢીયા (ઉ.વ.૪૦)એ મોહિત ભેડા, જગાભાઈ ભેડા, વાસુરભાઈ ભેડા, પિયુષ ભેડા સહિત ૯ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને પાંચેક મહિના પહેલા મોહિત ભેડા સાથે મારામારી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી કુહાડી તથા લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા તેમજ છુટ્ટા પથ્થરો જેવા હથિયારો ધારણ કરી ગાળો આપી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ વાસુરભાઈ ખોડાભાઈ ભેડા (ઉ.વ.૪૮)એ વીહાભાઈ વાઢીયા, જીતુભાઈ વીહાભાઈ વાઢીયા, રામભાઈ વીહાભાઈ વાઢીયા સહિત છ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રામભાઈએ તેમના ભત્રીજા સાથે ઝઘડો કરી છરી મારી હતી. જે બાબતનું મનદુઃખ રાખી ધારીયા વડે માથામાં ઈજા કરી હતી. ઉપરાંત કુહાડી, ભાલા, લાકડી જેવા હથિયારો વડે માર માર્યો હતો. તેમજ સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.