બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે સંતશ્રી મામૈયા આપાની તિથિની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ અગિયારસને મંગળવારે ધામધૂમથી કરવામાં આવી હતી. સવારે ૯ કલાકે ગુરુ ગાદી દેશળપીરની જગ્યાએથી પધારેલા મહંત લક્ષ્મીદાસજી, ચતુરદાસજી, રસીકદાસજી અને રામાપીરની જગ્યાના મહંત પરેશ બાપુનું તબલા-મંજીરાના તાલે અને ભજન સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તો દ્વારા આપાની જગ્યામાં ધજારોહણ કરાયું હતું. જેના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પધારેલા સાધુ-સંતો અને ગામના પૂજારીઓનું હાર અને શાલથી સન્માન કરાયું હતું. ગામના તમામ ભાઈઓ-બહેનો માટે ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.