બાબરા તાલુકાના જુદા જુદા ગામોમાં તંત્ર દ્વારા આડેધડ વીજપોલ ઊભા કરાતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. આ વીજપોલના વિરોધમાં બાબરાના સમઢિયાળા અને વાંડળીયા ગામના ખેડૂતોએ લાઠી ખાતેની પ્રાંત કચેરીમાં જઇને રજૂઆત કરી હતી. ગૌચર, નદીઓમાં અને માલિકીના મકાનમાં પણ દાદાગીરી કરીને વીજપોલ ઊભા કરાયા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. સમઢિયાળા ગામે સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં ગેરકાયદે પવનચક્કીના વીજપોલ ઊભા કરાયા હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાનો ભય વ્યાપી રહ્યો છે. આથી તાત્કાલિક આ વીજપોલ હટાવી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.