બાબરા તાલુકાના કોટડાપીઠા જિલ્લા પંચાયત સીટના ૬ ગામોમાં રૂપિયા ૧.૩૭ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના સેવા અને સમર્પણના બે વર્ષ પૂરા થવાની ઉજવણીમાં આયોજિત આ કાર્યક્રમમાં ગરણી, કર્ણુકી, કોટડાપીઠા, વાવડા, વાકિયા અને લાલકા ગામોમાં સીસી રોડ, બ્લોક રોડ, દિવાલ, કોઝવે, સ્વચ્છતાના સાધનો, ન્ઈડ્ઢ લાઈટ, આંગણવાડીનું રિપેરિંગ, પ્રાથમિક શાળામાં શેડ, ભૂગર્ભ ગટર, સ્નાનઘાટ, અવેડો વગેરે જેવા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ, મહામંત્રી હિતેશભાઈ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ, પૂર્વ મહામંત્રી મહેશભાઈ અને પારસભાઈ સહિતની ટીમ પણ હાજર રહી હતી. તાલુકા વિકાસ અધિકારી શિરોયા અને બાંધકામ સ્ટાફે પણ આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી. ગામના પ્રવાસ દરમિયાન ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્યે તેમની સમસ્યાઓ સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.