પાકિસ્તાન સુપર લીગ ૨૦૨૫ ની ૯મી મેચ ૧૯ એપ્રિલના રોજ પેશાવર ઝાલ્મી અને મુલતાન સુલ્તાન્સ વચ્ચે રમાઈ હતી. પેશાવર ટીમે આ મેચ ૧૨૦ રનના મોટા માર્જિનથી જીતીને ઇતિહાસ રચ્યો. પીએસએલના ઇતિહાસમાં રનના અંતરથી આ સૌથી મોટી જીત છે. આ પહેલા આ રેકોર્ડ લાહોર કલંદર્સના નામે હતો. આ મેચમાં, બાબર આઝમના નેતૃત્વ હેઠળ પેશાવર ઝાલ્મીએ પ્રથમ બેટિંગ કરીને ૨૨૮ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, મોહમ્મદ રિઝવાનના નેતૃત્વ હેઠળની મુલ્તાન સુલ્તાન્સ માત્ર ૧૦૭ રનમાં જ સમેટાઈ ગઈ.
આ પહેલા પીએસએલમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ લાહોર કલંદર્સના નામે હતો. તેમણે ૨૦૨૩માં ઇસ્લામાબાદ યુનાઇટેડને ૧૧૯ રનથી હરાવ્યું હતું. તે પહેલાં ૨૦૨૨માં મુલતાન સુલ્તાન્સે ક્વેટા ગ્લેડીયેટર્સને ૧૧૭ રનથી હરાવ્યું હતું. ૨૦૨૧ માં પણ મુલતાન સુલ્તાન્સે ક્વેટા ગ્લેડીયેટર્સને ૧૧૦ રનથી હરાવ્યું હતું. જ્યારે ૨૦૨૩માં લાહોર કલંદર્સે ઇસ્લામાબાદ યુનાઇટેડને ૧૧૦ રનથી હરાવ્યું હતું. હવે પેશાવર ઝાલ્મીએ ૧૨૦ રનથી જીતીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
પાકિસ્તાન સુપર લીગની ચાલુ સીઝનમાં અત્યાર સુધી એકતરફી મેચ જાવા મળી છે. આ સિઝનની ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ માટે રનનો પીછો કરવો અત્યંત મુશ્કેલ રહ્યું છે.પીએસએલ ૨૦૨૫ ની પહેલી ત્રણ મેચમાં, લક્ષ્યનો પીછો કરતી ટીમ બે વાર જીતી ગઈ. પરંતુ પછીની છ મેચોમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી ગઈ. આ ૬ મેચોમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૫ વખત ૨૦૦ થી વધુ રન બનાવ્યા છે. આ છ મેચોમાં, લક્ષ્યનો પીછો કરતી ટીમ એક પણ વાર લક્ષ્ય પ્રાપ્ત કરી શકી નથી.
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા, પેશાવર ઝાલ્મીએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૨૭ રન બનાવ્યા. આ મેચમાં પેશાવરના ટોપ ઓર્ડર બેટ્‌સમેન ફ્લોપ રહ્યા. કેપ્ટન બાબરનું ખરાબ ફોર્મ અહીં પણ ચાલુ રહ્યું. તે ૫ બોલમાં ૨ રન બનાવીને આઉટ થયો હતો. ટીમ માટે ટોમ કોહલર કેડમોરે ૫૨ રન અને મોહમ્મદ હેરિસે ૪૫ રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં મિશેલ ઓવેને ૧૫ બોલમાં ૩૪ રન અને અબ્દુલ સમદે ૧૪ બોલમાં ૪૦ રન બનાવીને ટીમનો સ્કોર ૨૨૭ સુધી પહોંચાડ્યો. કેપ્ટન બાબરનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. આ સિઝનમાં તેણે અત્યાર સુધી ૩ મેચમાં ફક્ત ૩ રન બનાવ્યા છે.