પાકિસ્તાને ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને ૩૬ રનથી હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાન તરફથી સેમ અયુબે જારદાર ઇનિંગ રમી હતી. તેણે ૧૦૧ રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેમના સિવાય કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સુપરસ્ટાર બેટ્‌સમેન બાબર આઝમે અડધી સદી ફટકારી હતી.
પાકિસ્તાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. જ્યારે ઓપનર અબ્દુલ્લા શફીક ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બાબર આઝમ અને સામ અયુબ વચ્ચે ૧૧૪ રનની ભાગીદારી થઈ અને બંનેએ પાકિસ્તાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. બાબરે ૭૧ બોલમાં ૫૨ રન બનાવ્યા જેમાં ૭ ચોગ્ગા સામેલ હતા. તેણે તેની વનડે કારકિર્દીની ૩૪મી અડધી સદી ફટકારી હતી.
જા તેણે સાઉથ આફ્રિકા સામે વધુ ૪૩ રન બનાવ્યા હોત તો તેણે તેની વનડે કરિયરમાં ૬૦૦૦ રન પૂરા કર્યા હોત અને તેણે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૬૦૦૦ રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોત, પરંતુ તે આવું કરી શક્યો નહીં. અત્યાર સુધી તેણે વનડે ક્રિકેટની ૧૨૦ ઇનિંગ્સમાં ૫૯૫૭ રન બનાવ્યા છે જેમાં ૧૯ સદી સામેલ છે.વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ હાશિમ અમલાના નામે છે. તેણે ૧૨૩ ઇનિંગ્સમાં આ કર્યું હતું. જ્યારે વિરાટ કોહલીએ ૧૩૬ ઇનિંગ્સમાં પોતાના ૬૦૦૦ વનડે રન પૂરા કર્યા હતા. બાબર પાસે હજુ પણ આ બે દિગ્ગજ બેટ્‌સમેનોને પાછળ છોડવાની સુવર્ણ તક છે.
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે કુલ ૩૦૮ રન બનાવ્યા હતા. આ પછી આફ્રિકાની ટીમ માત્ર ૨૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને ૩૬ રનથી મેચ હારી ગઈ હતી. સેમ અયુબ પાકિસ્તાન માટે સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે મેચમાં ૧૦૧ રન બનાવ્યા હતા. તેના સિવાય સુફીયાન મુકીમે ચાર મહત્વની વિકેટ લીધી હતી. મેચ જીતવા ઉપરાંત પાકિસ્તાની ટીમે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરી લીધું છે.