બકાના બાબલાને બારમું હતું. બાબલો જાગે એના કરતા બકો વધારે જાગે. બાબલાએ પેપર સોલ્વ કર્યું કે નહીં ? બાબલો કયારે સૂતો ? બાબલો વહેલો ઊઠ્‌યો કે નહી ? ઊઠીને શું શું કર્યું ? હાથમાં ચોપડી છે કે મોબાઈલ ?? પેપરનો સમય થાય એટલે બાબલાને ઉતાવળ ના હોય એટલી બકાને તાલાવેલી ઉપડે. ‘મોડું થાહે તો સુપરવિઝન વાળા ઘરવા નહીં દે. અને ગાંડો ટ્રાફિક તો તને ખબર છે ને!! અને એકાદ પેપર પડશે ને, તો મારી બધી જ મહેનત ઉપર પાણી ફરી વળશે.’ ત્યારે બાબલો બોલતો. ‘હા, બાપા હા. મહેનત તો તમે જ કરી છે ને. મેં તો ગામ ગપાટા અને સીન સપાટા કર્યા છે. એક કામ કરો. મારા બદલે પેપર લખવા તમે બેહી જાવ.’
બકો હોઠમાં હસીને બોલતો. ‘તો તો ક્યાં વાંધો જ હતો. હું તો આખે આખું પેપર જ ઘયડી નાંખત. પછી ભલેને માર્ક દેવાં વાળા દીધે જ રાખે. દીધે જ રાખે.’ ‘હાં તો તમારા જમાનામાં માર્ક લેવા હતા ને !! કોઈએ ના પાડી ’તી !??’ ‘હવે હાવ તારી મા જેવો થામા. અને ધ્યાન દઈને પેપર લખજે.’ આમ બકો સિમાડા હુધી શિખામણ આપે. અને પેપર પુરું થાય ત્યાં હુધી સ્કૂલના ઝાંપે બેહે. છેલ્લા બે દિવસથી બકો વિચારી રહ્યો હતો કે, ‘બાબલાને સ્કૂલમાં જ અને પેપર ટાણે જ કેમ ઉનવા ઉપડે છે ? એ વારે વારે વોશરૂમ કેમ જાય છે? અને એકલો બાબલો જ નહીં!! કેટલા ‘ય છોકરાઓ વારંવાર વોશરૂમ જાય છે. કાલે બાબલાને રજા છે. એમને હારા દવાખાને લય જાવો છે.’ સવાર પડતાં જ બકાએ બાબલાને ઉઠાડ્‌યો.‘ હાલ બાબલા આપણે ડોક્ટરને બતાવીએ.’ ‘પણ, મને શું થયું છે? હાજો નરવો તો છું.’ ‘ઉનાળો શરૂ થયો છે. એટલે તને ઉનવા થ્યો છે.’ ‘પણ, બાપા મને કાંઈ થયું જ નથી.’ ‘તું નાનકડો કેવાય. તને આમાં જાજી હમજ ના પડે. અમે દુનિયા જોઈ છે. તને ઉનવા જ થયો છે. હાલ આપડે મોટા ડોક્ટરની પાંહે જઈ આવીએ. બાબલાને પરાણે દવાખાને લઈ ગયા. ડોક્ટરે બાબલાનો હાથ હાથમાં લઈને પુછ્યું. ‘શું થાય છે?’ ‘મને કાંઈ થાતું -બાતું નથી. મારા બાપાને થાય છે.’ બકાએ ચોખવટ કરી. ‘ડોક્ટર! આમને ઉનવા થયો છે.’
‘હા પણ, ઉનાળો તો હજી શરું જ થયો છે. આમાં ઉનવા ના થાય.’
બાબલો બોલ્યો. ‘હું કયારનો એ જ કહું છું કે, મને કાંઈ થયું નથી. પણ, મારું તો માનતાં જ નથી.’ ‘ડોક્ટર!! તમે એના લખણ મતલબ લક્ષણ જૂઓ. એ વારે વારે વોશરૂમ જાય છે.’ ‘હા પણ, મને આવા કોઈ જ લક્ષણો દેખાતા નથી. છતાંય, શું એ આખો દિવસ વોશરૂમ જાય છે? ’ ‘ના ના ના, ડોક્ટર. એ માત્ર સ્કૂલમાં જ વોશરૂમ જાય છે.’ ‘તો તો પછી મારે બીજાં છોકરાઓને પણ તપાસવા પડે.’ ‘મને લાગે છે કે, સ્કૂલ વાળાએ જ કાંઈક જાદુ- ટોના કર્યું હશે.’ ‘એટલે તમે કે ‘વા શું માંગો છો ? ‘ડોક્ટરને આશ્ચર્ય થયું. આવું કેમ બની શકે??’ ‘ડોક્ટર ડોક્ટર, માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ જ વોશરૂમ જાય છે. એટલે સ્કૂલ વાળાએ કાંઈક કર્યું હોવું જોઈએ. પણ, ઉનવા થયો છે ઈ પાક્કું.
તમ તમારે દવા દારૂ કરો. ‘દારૂ !?? એ કેમ ? ગુજરાતમાં તો દારૂબંધી છે ને. ‘મતલબ દવા… દવા કરો.’ ડોક્ટરે બાબલાને ફરી એકવાર તપાસ્યો. અને મનમાં જ બબડ્‌યા.
‘આને ઓલ્યા દાદાનાં અહક જેવું લાગે છે. દાદાનું અહક કેનેડાની એકેય કોલેજમાં ભણાવ્યું નહોતું. અને એકેય ચોપડામાં અહક નામનું દર્દ જ નહોતું. છતાંય, દાદાને અહક થયું હતું. આવું તો આ બાબલાને નથી થયું ને !?? ‘ડોક્ટરે ગૂગલ મહારાજને પુછ્યું. પણ, ગૂગલ મહારાજે ‘ય ગોળ ગોળ ફેરફદુડી ફરવા માંડ્‌યા.
માથું ખંજવાળીને, થાકીને ચોપડા ઉખેળ્યા. પણ, બાબલાનો ઉનવા ના પકડાયો એટલે ના જ પકડાયો. છેવટે હારી થાકીને પેપર ઉપર હાથ પછાડયો.
અને અચાનક જ એક સમાચાર ઉપર એમની નજર ગઈ. ‘રાજકોટ પાસે પોપ્યુલર સ્કૂલમાં બારમાં ધોરણમાં ચોરીનો નવો નૂસખો.’ અને ડોક્ટરની એક સાથે અનેક ટ્યુબલાઈટો ઝબકી ગઈ. ‘બકા..!’ બોલો ને સાહેબ. મતલબ! બકાના બાબલા !! અંદરની ચેમ્બરમાં તારી સ્પેશિયલ તપાસ કરવી પડશે.‘ ડોક્ટર પોતાનું સ્ટેથોસ્કોપ છોડીને, પેપર હાથમાં લઈને અલગ ચેમ્બરમાં ગયા. બકાને નવાઈ લાગી. શું કરવું હશે !?? ‘ જો બાબલા હાસે હાસુ બોલી જા. આ છાપામાં સમાચાર છપાયા ઈ હાસા છે ?’ ‘હા, ડોક્ટર! મને ઉનવા નથી થયો. પણ, અમારી પોપ્યુલર સ્કૂલના માસ્તરોનો આ પોપ્યુલર પ્લાન હતો. માસ્તરો જ જવાબની માઈક્રોકોપી વોશરૂમમાં મૂકી આવતા. અને અમને વર્ગમાં આવીને ઈશારો કરતા. અમે વોશરૂમની મંજૂરી લેતા અને કોપી હાથવગી કરતા. એમ વારાફરતી વોશરૂમ જતા. બીજી સ્કૂલનાં વિદ્યાર્થીને વોશરૂમ જવાની મંજૂરી ના મળતી. આ હતો અમારો ઉનવા. મતલબ પોપ્યુલરનો પોપ્યુલર પ્લાન. ડોક્ટરે ‘ય રૂપિયા એક હજાર લઈને પોપ્યુલર પ્લાનને વધારે પોપ્યુલર બનાવ્યો.
kalubhaibhad123@gmail.com