આજે વિશ્વ બાળ દિવસ છે.
દર વર્ષે ૨૦ નવેમ્બરે દુનિયાભરમાં વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૧૯૫૯માં ૨૦ નવેમ્બરે બાળ અધિકારોની જાહેરાત કરી હતી. તેની યાદમાં દર વર્ષે ૨૦ નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. ચિલ્ડ્રન્સ ડેનો મુખ્ય હેતુ બાળકોના અધિકારોનું રક્ષણ, તેમને સલામત વાતાવરણ આપવા અને તેમના શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ દિવસ બાળકોની ખુશી તેમજ સમાજમાં તેમના અધિકારો પ્રત્યે જવાબદારીને પ્રોત્સાહન આપવાનું પ્રતીક છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવમાં બાળ અધિકારોને ચાર અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર એ ચાર મુખ્ય બાળ અધિકાર છે.
વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવાનો હેતુ દુનિયાભરમાં બાળકોની સ્થિતીમાં સુધારો કરવાનો છે. બાળકોના સારા શિક્ષણ, આરોગ્ય અને સારા ભવિષ્ય માટે જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી સહિત ઘણી વૈશ્વિક સંસ્થાઓ બાળકોના અધિકારો અંગે કામગીરી કરી રહી છે. બાળ દિને આ સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન કરાય છે અને સાથે સાથે લોકોને એ વાતની યાદ પણ અપાવાય છે કે વિશ્વમાં બાળકોની સ્થિતી અંગે ઘણું કરવાનું હજુ બાકી છે.
બાળકો પર વધતા અત્યાચાર, બાળમજૂરી અને શિક્ષણના અભાવ જેવી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરાતી બાળ દિનની ઉજવણી નિમિત્તે દર વર્ષે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
ભારતમાં ૧૪ નવેમ્બરે બાળ દિન ઉજવાય છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની યાદમાં દર વર્ષે દેશભરમાં ૧૪ નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરૂને બાળકો પ્રિય હતાં અને તેમને ચાચા નહેરૂ તરીકે સંબોધાતા હતા તેથી બાળપણની ભાવનાને ઉજવવા અને જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપવા ૧૪ નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં પણ પહેલાં ૧૪ નવેમ્બરે નહીં પરંતુ ૨૦ નવેમ્બરે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં ૨૦ નવેમ્બરને બદલે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિન ઉજવવાનું શરૂ થયું કેમ કે જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ના રોજ થયો હતો. પંડિત જવાહરલાલ નહેરુનું નિધન ૨૭ મે, ૧૯૬૪ના રોજ થયું હતું. પંડિત નેહરુનું બાળકો પ્રત્યેનું સમર્પણ જાણીતું હતું તેથી નહેરૂ પછી વડાપ્રધાન બનેલા લાલ બહાદુર શાસ્ત્રીએ ૧૯૬૪માં જ પંડિત નેહરુના માનમાં તેમના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી નાખી હતી. આ રીતે નહેરૂના મૃત્યુના વરસથી જ ભારતમાં ૧૪ નવેમ્બરે બાળ દિવસ ઉજવાવા માંડ્યો.
જો કે ભારત એકલો એવો દેશ નથી કે જ્યાં ૨૦ નવેમ્બરે બાળ દિવસ ના ઉજવાતો હોય. દુનિયાના ઘણા દેશોમાં ૧ જૂને બાળ દિવસ ઉજવવામાં આવે છે. ચીનમાં ૪ એપ્રિલે બાળ દિવસ ઉજવાય છે તો પાકિસ્તાનમાં ૧ જુલાઈ અને અમેરિકામાં જૂનના બીજા રવિવારે બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ સિવાય બ્રિટનમાં ૩૦ ઓગસ્ટ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં ૫ મે, નેપાળ અને જર્મનીમાં ૨૦ સપ્ટેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. દરેક દેશના બાળ દિવસ ઉજવવાના પોપપોતાના કારણો છે. તેનો લાંબો ઈતિહાસ ના તપાસીએ તો પણ એટલું કહી શકાય કે વિશ્વમાં બાળ દિનની ઉજવણીમાં એકસૂત્રતા નથી.
બાળ દિનની ઉજવણીથી શું બદલાયું ?
દુનિયા ૧૯૫૯થી એટલે કે ૬૫ વર્ષથી બાળ દિન ઉજવે છે પણ તેના કારણે બાળકોની સ્થિતીમાં બહુ સુધારો થતો નથી. બાળકોના અધિકારી છિનવનારી ત્રણ મુખ્ય બાબતો ભૂખમરો, શિક્ષણનો અભાવ અને બાળ મજૂરી છે. દુનિયામાં બાળકોમાં ભૂખમરો, શિક્ષણનો અભાવ અને બાળ મજૂરીના આંકડા પર નજર નાંખશો તો સમજાશે કે દુનિયામાં બહુમતી બાળકોનું બાળપણ છિનવાઈ જાય છે અને તેમને અધિકારો જ મળતા નથી.
બાળકોનો સૌથી પહેલો અધિકાર જન્મતાંની સાથે જ સારું પોષણ મળે એ છે પણ કમનસીબે આ અધિકાર પણ આપણે નથી આપી શકતા. દુનિયામાં ભૂખમરાનો ભોગ બનનારામાં બાળકો અને મહિલાઓ મોખરે છે. યુએનના રિપોર્ટ પ્રમાણે, ૩૨ દેશો એવા છે કે જ્યાં નવજાત બાળકોને પોષણ જ નથી મળતું. આ દેશોના ૫ વર્ષથી ઓછી ઉંમરના ૩.૬૦ મિલિયનથી વધુ બાળકો અત્યંત કુપોષિત છે, રિપોર્ટ બતાવે છે. વરસો જાય તેમ સ્થિતી સુધરવી જોઈએ પણ તેના બદલે સ્થિતી વણસી રહી છે. ૨૦૨૩માં તીવ્ર કુપોષણની સ્થિતી અત્યંત ખરાબ છે. સંઘર્ષ અને આપત્તિઓને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે તેથી કુપોષણ પણ વધુ છે.
કુપોષણને લગતા થોડાક આંકડા પર નજર નાંખશો તો આ વાત સમજાશે.
દુનિયામાં દરેક ૫ બાળકમાંથી ૧ બાળક એટલે કે ૨૦ ટકા બાળકો કુપોષિત છે, અને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લગભગ અડધા મૃત્યુ કુપોષણ સાથે સંકળાયેલા હોય છે. દુનિયામાં ૪.૫૦ કરોડ જેટલા બાળકો તીવ્ર કુપોષણનો સામનો કરી રહ્યા છે, અને ઓછામાં ઓછા ૧.૩૭ કરોડ બાળકો ગંભીર રીતે કુપોષિત છે. ૫ વર્ષથી ઓછી ઉંમરના ચારમાંથી એક બાળક ભૂખમરાનો અનુભવ કરી રહ્યું છે. મતલબ કે, તેમને દરરોજ માત્ર બે કે ઓછી વાર ભોજન મળે છે જ્યારે બાળકોને દિવસમાં ઓછામાં ઓછું ૮ વાર ભોજન મળવું જોઈએ. ૫ વર્ષથી ઓછી ઉંમરના ૪.૫ કરોડ બાળકોએ એંઠવાડ ખાવો પડે છે જે કુપોષણનું સૌથી ભયંકર સ્વરૂપ છે. આ ભૂખમરાના કારણે ૫ વર્ષથી ઓછી ઉંમરના ૧૫ કરોડ બાળકોનો વિકાસ અને પ્રગતિ અટકી ગયા છે.
ભૂખમરાનું ઉચ્ચ સ્તર ધરાવતા દેશોમાં હૈતી, માલી, સુદાન, દક્ષિણ સુદાન અને મોટા ભાગના પેલેસ્ટિનિયન પ્રદેશો છે. આ વિસ્તારોમાં ભૂખમરાનું પ્રમાણ સૌથી વધુ છે પણ ભારત સહિતના દેશોમાં પણ કુપોષણની સમસ્યા છે જ.
શિક્ષણ અને બાળ મજૂરીના મોરચે પણ હાલત ખરાબ છે.
બાળકના મૂળભૂત અધિકારમાં શિક્ષણના અધિકારનો સમાવેશ થાય છે પણ વિશ્વમાં ૬૦ કરોડથી વધારે બાળકોને શિક્ષણ જ મળતું નથી. તેનું કારણ પણ એ છે કે, દુનિયાના અડધાથી વધારે દેશોમાં ગરીબ પરિવારોને મફત શિક્ષણ માટેની સુવિધા જ નથી. બાળકો શિક્ષણથી વંચિત રહે છે તેમાં ગરીબી એ સૌથી અડચણરૂપ અવરોધ છે. બાળકોને ભણાવવાની ત્રેવડ ન હોય છતાં બાળકો પેદા કર્યાં કરતા પરિવારો પાસે તો શિક્ષણ આપવાની ક્ષમતા હોતી જ નથી પણ સરકારો પણ આ બાળકોને સ્કૂલમાં પોષણયુક્ત ખોરાકની સાથે શિક્ષણ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે. ઘણા દેશોમાં સરકાર સક્ષમ હોય પણ માનસિકતાના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમ દેશોમાં છોકરીઓ માટે શિક્ષણની તકો અત્યંત મર્યાદિત છે. સાઉદી અરેબિયા સહિતના દેશોમાં શિક્ષણની વ્યવસ્થા સવાલ નથી પણ માનસિકતા સવાલ છે.
ગરીબાના કારણે મા-બાપ બાળકોને શિક્ષણ માટે મોકલતાં જ નથી ને તેના બદલે મજૂરી કરાવે છે. બાળ મજૂરી પણ બાળકોના વિકાસમાં મોટો અવરોધ છે.
વિશ્વના મોટા ભાગના દેશોમાં બાળ મજૂરી હજુ પણ સામાન્ય છે. કોઈપણ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૫ વર્ષથી ૧૭ વર્ષની વયના બાળકોની ગણતરી કરવામાં આવે તો ૩૦ કરોડ બાળકો બાળ મજૂરી કરે છે. ૨૦૦૮ માં વિશ્વભરમાં ૫-૧૪ વર્ષની વયના ૧૫ કરોડ બાળ મજૂરો હતા એ જોતાં દુનિયાએ વિકાસ કર્યો છતાં બાળ મજૂરો ઘટ્યા નથી પણ વધ્યા છે.
વિશ્વમાં લગભગ ૬૦ ટકા બાળ મજૂરો ખેતી, ડેરી, મત્સ્યોદ્યોગ અને વનસંવર્ધન જેવી કૃષિ પ્રવૃત્તિઓમાં સામેલ છે. ૨૫ ટકા બાળ મજૂરો રિટેલ, હોકિંગ સામાન, રેસ્ટોરાં, માલનું લોડ અને ટ્રાન્સફર, સ્ટોરેજ, કચરો ઉપાડવા અને રિસાયક્લિંગ, શૂઝ પોલિશિંગ, ઘરેલું મદદ અને અન્ય સેવાઓ જેવી સેવા પ્રવૃત્તિઓમાં હતા. બાકીના ૧૫ ટકા કારખાનાઓ, ખાણો, પેકેજિંગ સોલ્ટ, ઓપરેટિંગ મશીનરી, એસેમ્બલી અને ઉત્પાદનમાં કામ કરે છે. મોટાભાગના બાળ મજૂરો તેમના માતાપિતા સાથે જ મજૂરી કરે છે. દુનિયાના કુલ બાળ મજૂરોમાંથી એશિયામાં ૨૨%, આફ્રિકામાં ૩૨%, લેટિન અમેરિકામાં ૧૭%, યુ.એસ., કેનેડા, યુરોપ અને અન્ય શ્રીમંત દેશોમાં ૧% બાળ મજૂરો છે. ટૂંકમાં બાળ મજૂરી ભયંકર સમસ્યા છે જ.
ભવિષ્યમાં બાળકોને કુપોષણ, ભૂખમરો અને બાળ મજૂરીથી મુક્ત કરીને બહેતર જીવન આપી શકીએ તો વિશ્વ બાળ દિન ઉજવવાનો મતલબ છે. બાકી માત્ર કાગળ પર બાળ દિનની ઉજવણી કરો, સરકારી રાહે કાર્યક્રમ કરો તેનો કોઈ મતલબ નથી.