અમદાવાદના બાવળાની સોસાયટીઓમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે ‘અંદર આવવું નહીં’નાં બેનરો લગાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. બાવળા નગરપાલિકા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બાવળાના સોસાયટીના નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો.
બાવળા તાલુકાની સોસાયટીઓમાં રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યાં હતા. બાવળા શહેરમાં આવેલી રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસીડેન્સીમાં રાજકીય પક્ષોએ પ્રચાર માટે નહીં આવવાના બેનરો લગાવવામાં આવ્યા છે. સોસાયટીનાં લોકોનું કહેવું હતું કે અમારા ખરાબ સમયમાં જે અમારી મદદ માટે આવ્યાં હોઈ તે જ લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો.
સોસાયટીનાં લોકોએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં રત્નદીપ સોસાયટી સ્વાગત રેસીડેન્સી અને પાછળ આવેલ બળિયાદેવ વિસ્તાર બેટમાં ફરી ગયો હતો ઘણા દિવસો સુધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી સુધી ભરાઈ ગયા હતા કે અંદર આવવા જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હતો.
આ ચોમાસાની સિઝનમાં જે ઘરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ઘરના માલમિલકતને ઘણું નુકસાન થયું હતું અને પોતાનું ઘર હોવા છતાં બહાર બીજાના ત્યાં રહેવા જવાનો વારો આવ્યો હતો. તે ખરાબ પરિસ્થિતિમાં અમારી વાહરે કોઈ રાજકીય પક્ષના લોકો આવ્યા ન હતા તેવા આક્ષેપો સોસાયટીના લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. સોસાયટીના લોકોએ તે પણ જણાવ્યું હતું કે આ સમસ્યા દરમિયાન અમારે પાણી પીવાના પણ ફાંફા હતા અને જ્યારે પાણી ઉતરી ગયા ત્યારબાદ પણ અમારી ખબર અંતર પૂછવા કે કેટલું નુકસાન થયું છે તેનું સર્વે કરવા પણ કોઈ આવ્યું ન હતું જેના કારણે આ ચૂંટણીમાં અમે કોઈ રાજકીય પક્ષનાં ઉમેદવારને અમારી સોસાયટીમાં પ્રચાર માટે નહીં આવવા દેવા માટે સોસાયટીની બહાર બેનરો લગાવવામાં આવ્યાં છે.