“રવિના, આમ ઘડીએ ઘડીએ તને વોમીટ થવા માંડે એનું કારણ શું ?” રાજેશ્વરીબા ઉબકા કરતી રવિનાની પીઠમાં હાથ ફેરવતા ફેરવતા પૂછી રહ્યા હતાં. “તને આ તકલીફ બાળપણથી જ છે શું ?” પણ પછી એમને યાદ આવ્યું પોતાના સવાલનો જવાબ રવિના આપે એ પહેલા પોતે જ બોલ્યા: “ના…. ના… એવું તો ન હોય તું અહીં આવી એનેય અઢી – ત્રણ મહિના થવા આવશે. પહેલા તો એવુ કઇ થતું નહોતું આ તો તને હમણા અઠવાડિયાથી જ શરૂ થયું છે.”
“હા, બા…” રવિનાએ જવાબ વાળ્યો: “ મને આવી કોઇ તકલીફ જ નથી મારૂં પેટ તો એકદમ નરવુ છે પણ કોણ જાણે થઇ ગયુ છે શું ? કે, આખો દિ’ મોળ્ય આવ્યા કરે છે. મોળો જીવ થાય અને અંદર વમળાટ છૂટે એટલે આ ઉબકા થાય.”
“ચિંતા ન કરતી, હવે તું સુઇ જા, અર્જુન હમણાં આવે એટલે તને ડોકટર પાસે લઇ જશે.”
“પણ બા, બાપુ તો એમ કહેતા હતા કે પેલા ડોકટર તો કયાંક બહાર ગયા છે. તો બીજા કોઇ ડોકટર હશે કે ?”
“અરે, એ નહીં તો એનો ભાઇ. ગામમાં બે ત્રણ ડોકટર છે.”
“સારૂ.” મીઠાનો કોગળા કરી મ્હોં ધોઇ રવિના ઊભી થઇને રસોડા ભણી ચાલવા લાગી કે રાજેશ્વરીએ તેને પાછી વાળી “રહેવા દે, તું હવે આરામ કર તને હવે બિલકુલ મજા નથી લાગતી જા અરીસામાં જા કેવી લેવાઇ ગઇ છો !” છતાં પણ રવિના રસોઇ કરવાનો આગ્રહ કરતી રહી પણ રાજેશ્વરીએ તેને અર્જુનવાળા રૂમમાં ધકેલતા કહ્યું: “તું અહીંયા સૂઇ જા. અર્જુનને આવવાની તો હજી ભવની વાર છે. ”
ધીમે પગલે, અર્જુનના રૂમ તરફ આગળ વધતી રવિના અટકી ગઇ કે રાજેશ્વરીબાએ કહ્યું ઃ “જા, જા, સૂઇ જા. અર્જુનને વાર છે હજી.” “હું વિચારૂ છું કે, સાહેબને આજે આખા રીંગણાનું મારા હાથનું બનાવેલું શાક ખાવું હતું ને મને આ કોણ જાણે શું થઇ ગયું છે કે…” અને તેના ગરમ ગરમ ઉશ્વાસ છેક રાજેશ્વરીબાને સ્પર્શે એટલા ઊંડાણથી નિઃશ્વાસ નાખ્યો કે રાજેશ્વરીબાએ નજીક આવી તેનો વાંસો થપથપાવ્યો: “ ગાંડી, એવું દુઃખ ના લગાડતી’ દિ’ના કયાં દુકાળ છે ? તુ જરા નરવી થઇ જા બે દિ’ પછી બનાવી દેજે અર્જુનને ખોટુ નહીં લાગે.”
“જી…બા ” કરતી રવિના અર્જુનની પોચી પોચી ડબલ બેડ પર આડી પડી. તેની આંખ અનાયાસે બંધ થઇ ગઇ તો બંધ આંખોમાં અર્જુન ઉતરી આવ્યો અને પોતે અવશપણે અર્જુનની આંખોમાં સમાઇ ગઇ. જાગતી આંખે જાયેલુ દીવાસ્વપ્ન તેને પાણી પાણી કરી રહ્યું ને એ તંદ્રામાં સરી પડી.
—-
કોલેજથી થોડે દૂર તળાવ હતું અને તળાવની પાળે આડેધડ ઊગી નીકળેલા ગાંડા બાવળના ઝૂંડમાં કોઇ ભાળે નહીં એવી જગ્યામાં અનિતાનાં ખોળામાં માથું નાખીને જીમ્મી સૂતો હતો. હાથમાં રહેલા પોપટના પીંછાથી, અનિતાના ગાલને પંપાળતો હતો અને પુરૂષસહજ, આંખો અને ચહેરા ઉપર ઢળી જતા યૌવનના ઉભારને તે તરસી નજરે તાકી લેતો હતો. અનિતા એ નજરને ઓળખતી જ હતી એટલે જીમ્મીને ઘડીએ ઘડીએ ઊભો થઇ જવા કહી રહી હતી પણ આજે આટલા દિવસથી હાથમાં આવેલી પ્રેમિકાથી તે છુટ્ટો પડવા માંગતો નહોતો. તેની શિકારી નજર અનિતાના તસતસતા યૌવનને એક જ ઘૂંટડે ભરી લેવા તલપાપડ થતી હતી. પણ અનિતા એવી ભોળી નહોતી તે સઘળુ સમજતી હતી પણ પોતાના આ દોસ્તને ખોવા પણ માંગતી નહોતી. તેણે જ સ્તો તેને પેલા જંગલી વિક્કીથી બચાવી હતી અને આજે જીમ્મી એક એવી બાતમી લાવ્યો હતો કે…
“તું સાચ્ચું કહે છે જીમ્મી ?” અનિતા વળી વળીને પૂછતી હતી. જીમ્મીની આંખોમાં સચ્ચાઇ ઉપસી આવી. તે સૂતો હતો એમાંથી બેઠો થઇ ગયો અને અનિતાના બન્ને હાથોને પોતાના હાથમાં લઇને પંપાળવા લાગ્યો:“તો હું શું ખોટું બોલુ છું ? અમે ચારેય ફ્રેન્ડઝ આખી રાતભર આખા ગામમાં રખડતા રખડતા ગામના ખુણે-ખુણા છાનબીન કરી વળ્યા પછી થયું કે એવા પ્લેસ જઇએ જેમકે, બસ સ્ટેન્ડ, ભલે દૂર તો દૂર રહેલુ પણ રેલવે સ્ટેશન, બાગબગીચા અને છેલ્લે અમે રાજમહેલનાં ગ્રાઉન્ડમાં નીકળ્યા તો ત્યાં ભાઇનું બાઈક. આમ ખાસ નંબર યાદ નહોતો પણ એનો દેખાવ જાતા પાક્કુ થઇ ગયું કે આ અર્જુનભાઇની જ ગાડી છે. પછી મેં તને તેનો ફોટો મોકલ્યો અને મેં તો એસ.ટી. કંટ્રોલના લેન્ડલાઇન ઉપર દત્તા સાહેબને ફોન કરીને કહી પણ દીધું છે એટલે ભાઇ ભલેને કહે કે હું ફ્રેન્ડના ફાર્મહાઉસ ઉપર પાર્ટીમાં ગયો હતો પણ દાળમાં તો કૈંક કાળુ છે જ. એ રહેતા રહેતા બહાર આવવાનું ,પણ હા…” જીમ્મીને યાદ આવ્યું એણે અનિતાને પૂછયું ઃ “ પેલી તમારા ઘરે છોકરી આવી છે એ કોણ છે ? આજે અમે બાઇક લઇને નીકળ્યા ત્યારે કોઇની સાથે વાત કરતી હતી. બજારમાં જતી હતી પણ અમે પાછા વળ્યા તો એ ગુમ થઇ ગઇ હતી.”
જવાબમાં અનિતાએ તેને ચીમટો ભર્યો: “લુચ્ચા હવે તારી નજરમાં એ આવી છે ? પણ ધ્યાન રાખજે હોં… ”
“પાગલ, મારો કહેવાનો મતલબ એ નથી. પણ મને એ ભેદી લાગે છે. જાણે એ ચોરીછૂપીથી કોઇને ફોન કરતી હોય એમ લાગ્યું ? અને એ પાછી માર્કેટને એક ખૂણે સંતાઇને ?”
“એલા, તું પાગલ થઇ ગયો છો ? એ ચોરીછૂપીથી કોને ફોન કરે ? હા, એના મામાનો ફોન આવે છે એટલે એ સંતાતી ફરે છે એને મા બાપ નથી, ભાઇ નાનો હતો પણ એના ફેમિલી મેમ્બરે એને જીવતા જલાવી દીધા અને તેના મામા તેના ઘરડા સાળા સાથે એના લગ્ન કરાવવા માગે છે. એ ભાગી છૂટી છે એટલે શર્મા સાહેબે અને ભાઇ સમજાવીને એને ઘરે લઇ આવ્યા છે. એ બિચારી વખાની મારી છે.”
“એ તો ઠીક પણ… આવા માણસોથી ચેતવું.” જીમ્મીએ કહ્યું “ સારૂ એ બધું છોડ તું નાસ્તો લાવ્યો છે કે કંઇ ?”
“હા, બધું જ છે મારી ગોરાદે.. મારી હોટ એન્ડ કોલ્ડ” એમ કહેતા જીમ્મીએ કીટમાંથી ખારી સીંગના પડીકા અને થમ્સઅપની બોટલ કાઢી. એ સિવાય ચવાણાના ચાર – પાંચ પેકેટ પણ કાઢયા અને બન્નેએ કટક બટકને ન્યાય આપ્યો. આજે એકસ્ટ્રા લેકચર હતા એટલે નાસ્તો કરીને પાછા બન્ને કોલેજ જવા ચોરીછૂપીથી ઝાડીઓમાંથી બહાર નીકળ્યા.
—-
બપોરે અર્જુન જમવા આવ્યો ત્યારે મા રસોઇ બનાવી રહી હતી. અર્જુન રૂમમાં આવ્યો, તો રવિના ઊંઘી રહી હતી. ઊંઘમાં ચાલતા શ્વાસોશ્વાસના લય સાથે તેના ઉરનો ઉભાર પણ ઊંચોનીચો થઇ રહ્યો હતો. અર્જુન તેને તાકી રહ્યો કે, રાજેશ્વરીબા વાજાવાજ આવીને ઊભા રહી ગયા. રવિનાને તાકી રહેલા દીકરાની નજર તેણે પારખી લીધી અને મોઘમ હસ્યા. એણે પાછળથી અર્જુનની પીઠ ઉપર ટપલી મારી કે અર્જુન ચમક્યો.
“આજે એને વળી પાછા ખૂબ ઉબકા થતા હતા અર્જુન..” પળેક અટકીને વળી એ બોલ્યા: “ચાલને એને ડોકટર પાસે લઇ જઇએ.”
“કેમ ? આમ તો સારૂ હતું ને ?” અર્જુનના કપાળમાં ચિંતાની કરચલી ઉપસી આવી.
“એ તો શું ખબર ?” રાજેશ્વરીબાએ કહ્યું ઃ “મેં એને પૂછયું ય ખરૂં કે તેને આવું પહેલા થતું હતું ? કદાચ બાળપણની બીમારી હોય પણ એણે તો ના પાડી. “આ તો હમણાં હમણાં જ થાય છે” એમ કહ્યું. એટલે હવે મને ચિંતા થાય છે. ભૂવનસાહેબ ન હોય તો બીજા કોઇ ડોકટરને બતાવી દઇએ પણ જવું તો પડશે જ. વારંવાર આવું થાય છે તો એને બિચારીને ખૂબ નબળાઇ લાગે છે.”
“તમે એક કામ કરોને બા, તું અને અનિતા જઇને ડો. માથુરને બતાવી આવો. આમ તો એ અણઘડ જેવો છે પણ બીજા કોઇ ડોકટર છેય નહીં, પેટ માટે. એનું ખારી કૂઇ પાસે દવાખાનું છે.” “સારૂ, તું થોડા પૈસા દેતો જજે આજે સાંજે રીક્ષામાં બતાવી આવીશું.”
—
ડો. માથુરે ચેક કર્યા પછી કહ્યું. આજે તો લેબોરેટરી બંધ છે. પણ કાલે તમે આવજા આનાથી થોડાક વહેલા આવજા આપણે પાક્કુ નિદાન કરી લઇશું.”
—-
રાતના અઢી વાગ્યા હતા. રવિના ઊભી થઈ જાયું તો અર્જુન, અનિતા અને રાજેશ્વરીબા ઘસઘસાટ સૂતા હતા. રવિના ચોર પગલે ફળિયામાં રહેલા ટોઇલેટમાં ઘૂસી નળ ચાલુ કર્યો અને મોબાઇલ કાઢયો એ જ વખતે અનિતા જાગી.
—
ડો. માથુરે ચેક કરીને લોહી પેશાબનો રિપોર્ટ કરવા લેબોરેટરીમાં મોકલ્યા. પોણી કલાક પછી ડો. માથુરે રાજેશ્વરીબાને સામે બેસાડીને ખૂબ ઠંડકથી કહ્યું ઃ “બા.. રવિના પ્રેગનન્ટ છે અને ચાર અઠવાડિયા જેટલો સમય થઇ ગયો છે !!” “હેં?” રાજેશ્વરીબાને માથે જાણે વીજળી પડી !!! (ક્રમશઃ)