૧ એપ્રિલ, ૨૦૨૫ થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં ૧૦૦ થી ૨૦૦ ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે. આ મામલે ક્રેડાઈ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રસ્તાવિત જંત્રી મામલે સવાલો ઉઠાવાયા છે.
અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું કે, ૨૦૧૧ માં જંત્રી આવતી હતી, તેના બાદ ૧૨ વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને સુચનો કરતા આવ્યા છે. માર્ચ ૨૦૨૩ માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે ૧૨ વર્ષ પછીવૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરવાની વાત સરકારે કરી છે. એપ્રિલ ૨૦૨૩ થી અત્યાર સુધી સરકારે સર્વે કર્યો અને ૨૦ નવેમ્બર ૨૦૨૪ એ સૂચિત જંત્રી જાહેર કરી. અમે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી કે રાજ્યમાં ૪૦૦૦૦ વેલ્યુ ઝોન આવેલા છે. અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામને લાગુ પડે છે.
તેમણે આગળ કહ્યું કે, સરકારે પોતે દોઢ વર્ષ લીધું પણ જનતાને સૂચનો માટે ફક્ત ૧ મહિનો આપ્યો. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ ૨૦૦ ટકાથી લઈને ૨૦૦૦ ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું લાગે છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જાઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો વધારો સ્વીકાર્ય નથી. સરકારે પોતે રીવ્યુ કરવા દોઢ વર્ષ લે છે અને પ્રજાને ૧ મહિનો આપે છે. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અમને રીવ્યુ કરવાનો સમય આપો એવી માંગ છે. ઓનલાઇન રીવ્યુનો વિક્લપ યુઝર ફ્રેન્ડલી નથી, અનેક ટેકનીકલ ક્ષતિઓ આવી રહી છે. જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં લોકો આ સૂચનો કરી જ નહીં શકે. માટે ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી પણ માંગ છે. મામલતદાર અને કલેકટર કચેરીએ લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જાઈએ. સૂચિત જંત્રી મામલે અમે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. માટે આ જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી. અમલ કરવા માટેનું એક્સટેનશન સરકાર અમને આપે. અને ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો વિકલ્પ આપે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જાઈએ, હાલ કયા ધારાધોરથી જંત્રી જાહેર કરાઈ એનો અમને પણ અંદાજ નથી આવતો.
ક્રેડાઈએ જણાવ્યું કે, સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટેનું પ્રીમિયમ અનેકગણું વધી જાય છે. જમીનની કિંમત કરતા પ્રિમયમ વધુ થાય છે. દસ્તાવેજની કિંમત વધી જતા ખરીદનારને તકલીફ થશે. મકાનો ૩૦ થી ૪૦ ટકા મોંઘા થશે, લોકોને કઈ રીતે પોષાય??
નવી જંત્રીથી આવનારી મુશ્કેલીઓ વિશે ક્રેડાઈએ જણાવ્યું કે, મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ યોજના પડી ભાંગશે. રિડેવલ્પમેન્ટ સહિતના પ્રોજેક્ટ પણ વિવાદમાં સપડાશે. ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે વર્તમાન પ્રોજેક્ટને લઈને અનેક કાનૂની ગુંચવણ ઉભી થશે. જંત્રીનો દર બજાર કિંમતની નજીલ હોવો જાઈએ એ અમે પણ માનીએ છીએ. પણ આ ટૂંકા ગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવવો શક્ય નથી. એક તરફ ઓલમ્પીકની અરજી કરાઈ છે અને અમદાવાદમાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. કોઈપણ સિટીનું રિયલ એસ્ટેટ એની ઓળખ બને છે, આ આખું માર્કેટ ૩ થી ૪ વર્ષ પાછળ જશે. આની સૌથી મોટી અસર જમીન માલિક એવા ખેડૂતોને થશે. આ તમામ મામલે આગામી સમયમાં અમે રાજ્યભરમાં કલેક્ટરને આવેદન પત્રો આપી વાસ્તવિકતા જણાવીશું. સમય આવે મુખ્યમંત્રીને પણ પુનઃ મળવા જઈશું. જરૂર પડ્યે કોર્ટનો પણ સહારો લેવાની વાત અમારા સભ્યોએ કરી છે. કોઈપણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારને રજુઆત છે. હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણ જાહેર કરવા જોઈએ.