બાબરાના મોટા દેવળીયા ગામે વાસાવડ રોડ પર આવેલા જીન પાસે દરેડ ગામના યુવકને ‘બીજી વાર દેવગામમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ’ કહી ધમકી આપી હતી. બનાવ અંગે દરેડ ગામે રહેતા અને પવનચક્કીના પ્રોજેક્ટ માટે જમીન શોધવાનું કામ કરતાં માણસુરભાઈ ભીખાભાઈ ગરૈયા (ઉ.વ.૩૦)એ દેવગામના હેમંતભાઈ નાગદાનભાઈ ખાટરીયા તથા બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા હરેશભાઇ ભીખુભાઇ ડાંગર વડીયા તાલુકાના દેવગામ ગામે પવનચક્કીના પ્રોજેક્ટ માટે જમીન શોધવાનું કામ કરતા હતા. આ વાત સામાવાળા દેવગામ ગામના હેમંતભાઇ નાગદાનભાઇ ખાટરીયાને સારી લાગી નહોતી. તેઓ દેવગામથી બાબરા પરત આવતા હતા ત્યારે દેવળીયા ગામ પાસે પહોચતા હેમંતભાઇ ખાટરીયા તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ફોરવ્હીલમાં આવી તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારીને ઇજા પહોંચાડી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.