બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ સંપૂર્ણ ફ્લોપ જાવા મળ્યો હતો. મેચની પ્રથમ ઇનિંગમાં રાહુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં તેના બેટમાંથી માત્ર ૧૨ રન આવ્યા હતા. બેંગલુરુ ટેસ્ટ બાદ રાહુલ ચાહકોના નિશાના પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેએલ રાહુલની નિવૃત્તિનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયો બેંગલુરુ ટેસ્ટ પુરો થયા બાદનો છે. વીડિયોમાં જાઈ શકાય છે કે મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા છે. આ દરમિયાન રાહુલ પીચની નજીક જાય છે અને ત્યાંની માટીને સ્પર્શ કરે છે. રાહુલના આ ઈશારે અફવાને વધુ તીવ્ર બનાવી કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને તેણે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ બેંગલુરુમાં રમી હતી.
તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની નિવૃત્તિને લઈને કરવામાં આવેલા દાવામાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. અત્યાર સુધી કેએલ રાહુલ તરફથી નિવૃત્તિ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આ દાવાઓમાં કોઈ સત્યતા જણાતી નથી.
બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ખરાબ રીતે ફ્લોપ થયા બાદ કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામે પુણેમાં રમાનારી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે કેએલ રાહુલે તેની ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી ૫૩ મેચ રમી છે. આ મેચોની ૯૧ ઇનિંગ્સમાં તેણે ૩૩.૮૭ની એવરેજથી ૨૯૮૧ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૮ સદી અને ૧૫ અડધી સદી ફટકારી છે, જેમાં ઉચ્ચ સ્કોર ૧૯૯ રન છે.