હવામાન વિભાગની વચ્ચે અમરેલી શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી સહિત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. થોડા વરસાદમાં પણ અમરેલીના રાજમાર્ગો પર પાણી ભરાયા છે. સતત વરસતા વરસાદને કારણે માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. બપોર બાદ અમરેલી શહેરમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેતીના પાકમાં નુકસાન થશે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજુ છે. અમરેલી, બગસરા, બાબરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. બગસરા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. બગસરા પંથકના હામાપુર, લૂંઘીયા, સાપર,કડાયા, રફાળા, ભલગામ તેમજ સમઢીયાળા જેવા ગામોમાં જોરદાર વરસાદ પડતા ખેતરમાં રહેલા મગફળીના પાકનું તેમજ કપાસ અને સોયાબીન જેવા પાકોનું પણ ધોવાણ પણ થયું હતું. આ તમામ ગામોના સરપંચો સાથે વાત કરતા અંદાજે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બગસરા પંથકની જીવાદોરી સમાન મુંજીયાસર ડેમ ૦.૧૫ મીટરથી ઓવરફ્‌લો પણ થઈ ચૂકેલો છે. જેના કારણે નદીના પટમાં અવર-જવર નહી કરવા સુચના આપવામાં આવી છે. લોકો નદીના પટમાં અવરજવર કરે નહી તે માટે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે.
રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪ કલાક યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.