અમરેલી-વેરાવળ ટ્રેનના લોકો પાઇલટ બલીરામ કુમાર અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ દિનેશ ચન્દની સતર્કતાથી સોમવારે, કાંસિયાનેસ-સાસણ ગીર સેક્શનમાં એક સિંહ અને એક સિંહણ રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા ત્યારે ટ્રેન નં. ૫૨૯૪૬ને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવી દ્વારા ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ ટ્રેકર્સના કાર્યની પ્રશંસા કરી હતી. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૮ સિંહોના જીવ બચાવાયા છે.