રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મના વધતા બનાવો હવે આપણા માટે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં ફરી બોટાદ જિલ્લામાં એક એવો બનાવ સામે આવ્યો છે, કે જેના વીશે સાંભળીને તમારી પણ આંખો પહોળી થઈ જશે. અહીંયા એક સગીર વયની બાળકી પર તેના જ કૌટુંબિક ભાઈએ ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મુદ્દે જ્યારે સગીરાને ગર્ભ રહી ગયો ત્યારે તેના પરિવારને જાણ થઈ.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો આ બનાવ સામે આવ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં. જ્યાં ૧૩ વર્ષીય સગીરાના પરિવારને અચાનકથી જાણ થઈ કે તેના પેટમાં ૨ માસનો ગર્ભ છે. આ મામલે પરિવારે જ્યારે સગીરા સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે તેના જ કૌટુંબિક ભાઈએ તેને ધમકી આપીને ઘરે બોલાવી હતી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે સગીરાના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે સગીરાના પરિવારના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર મામલે પછી સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો અને તેની સામે પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ગઢડા પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે સગીરાને ૨ માસનો ગર્ભ રહી ગયો છે. પરિવારને પણ ત્યારે આ વાતની ખબર પડી હતી જ્યારે સગીરાના પેટમાં દુખાવો ઉપડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જોકે હવે આ સમગ્ર મામલે પોલીસે હવસખોર ભાઈને ઝડપી પાડ્યો છે જેને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.