(૧) ટેબલ અને ખુરસી વચ્ચે શું સંબંધ?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ખુરસી ટકાવી રાખવા માટે સારું ટેબલ હોવું જરૂરી છે!
(૨) રંગોનો તહેવાર હોળી તો હૈયાહોળી એટલે શું ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
હોળી રમતા રમતા જે ડખો થઈ જાય એ હૈયાહોળી!
(૩) લાંચ લેનારને શું સજા આપવી જોઈએ?
રામભાઈ પટેલ (સુરત)
લાંચ દેનારને ઘેર પોતું કરી દેવાની.
(૪) પ્રસાદીયા ભગત એટલે શું ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
જે પ્રસાદ સમયે જ આવે છે એને પ્રસાદીયા ભગત કહે છે. એ લોકો મોડા આવતા હોવાથી કથામાં ઘોંઘાટ ઓછો થાય છે.
(૫) ફક્ત ૧૭ આમંત્રિતોને જમાડવાના હોય એમાં પણ લોકો પંગતને બદલે બુફેના કાઉન્ટર ગોઠવી દે છે.
કનુભાઈ પરમાર (દામનગર)
પણ બૂફે માટે જ કાંઈ સત્તરને બદલે એકસો સીતેર માણસોને ભેગા ન કરાયને!
(૬) સાહેબ..! મેં સાંભળ્યું છે કે એક સ્ત્રી બાળકને જન્મ આપે અને જે પીડા થાય એવી પીડા તમને જવાબ આપવામાં થાય છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
તોય લોકો એને હસવામાં કાઢી નાખે છે, બોલો!
(૭)ભક્તિ કરવી ને ભક્તિ બતાવવી એમાં શું તફાવત?
હિરાલી લોઢિયા (ચમારડી)
હીરા ઘસવા અને હીરાનો હાર પહેરવો એમાં જે તફાવત હોય એ.
(૮) તમે અજબ સવાલના ગજબ જવાબ આપો છો તો બેસ્ટ સવાલ કરે એને ઈનામ કેમ નથી આપતા ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
કોઈક બેસ્ટ સવાલ પૂછે તોને?!
(૯) બચત એટલે શું?
કટારિયા અમિત હિંમતભાઈ (કીડી)
ઘણાય બહુ લાંબા સવાલો પૂછે છે. તમે ટૂંકો સવાલ પૂછ્યો છે. આને તમે શબ્દની બચત કરી કહેવાય!
(૧૦) મારા ઘેર ઉત્સવ છે અને મને હાથમાં ફેક્ચર થયું છે અને પાટો આવ્યો છે તો શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
‘પાટો’ત્સવ મનાવો.
(૧૧) અમદાવાદ આવો
આઈ.પી.એલ.ની મેચ જોવા!
રમાબેન પટેલ (અમદાવાદ)
જમવું ક્યાં?!
(૧૨) એવું શું છે જે દાંત ન હોય તો પણ ખાઇ શકાય?
નીરવ ડણાંક (અમરેલી)
દયા.
(૧૩) રોજ બપોરે બે વાગે અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને રાજકોટથી બોલું છું એમ કહે છે. આ માણસ સાચું બોલતો હશે કે ખોટું?
દર્શન પટેલ (વડોદરા)
ખોટું જ બોલતો હોય. બપોરે બે વાગે રાજકોટથી તો ફોન ન જ આવે!
(૧૪) માણસે માણસને પણ નકલી બનાવી દીધો તો અસલી કઈ ખરું?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
અસલી જયશ્રીબેનની જગ્યાએ કોઈ નકલી જયશ્રીબેને આ સવાલ નથી પૂછી લીધોને?!
(૧૫) બધામાં ૧૯-૨૦ નો જ ફરક કેમ હોય છે?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
તો તમારે કેટલો ફરક રાખવો છે?!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..