જેલમાં બુટલેગરની દારૂની મહેફિલથી ખળભળાટ, ૫૦ હજાર રોકડા-મોબાઈલ મળ્યો

(એ.આર.એલ),ભુજ,તા.૨૧
ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે. ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૬ લોકો જેલમાં દારુની મહેફિલ માણતા ઝડપાયાં છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે આદિપુર પોલીસ તથા એલસીબી અને એસઓજીના કાફલાએ મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો.પોલીસની આ રેડમાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા ૫૦ હજાર રૂપિયા મળી આવ્યા છે. જેલમાં ચાલતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થયા છે.રાજ્યમાં નકલી દારુ, દારુ બનાવવાની ફેક્ટરી, દારુ અન્ય બોર્ડરમાંથી ગુજરાતમાં અંદર લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ડુપ્લકેટ દારુ બનાવાતો હોવાનું સામે આવ્યું હતું. ૬ જૂલાઈના રોજ મોરબી જિલ્લાના માળિયાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઈંગ્લીશ દારૂની બોટલમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લશ દારૂ બનાવી વેચાણ કરવાના કોભાંડનો પર્દાફાશ થયો હતો. મોરબી એલસીબી ટીમે બે શખ્સોને ઝડપી લઈને ૨.૭૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ અન્ય છ આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે બાતમીને આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપ જીવણ સવસેટા અને જયરાજ જીવણ સવસેટા બંને ભાઈઓ ભેગા મળી પોતાના મકાનમાં સસ્તા ભાવના ઈંગ્લીશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં આરોપીના રહેણાંક મકાન ખાતેથી પોલીસે આરોપી જયદીપ સવસેટા અને જયરાજ સવસેટા રહે બંને નવા દેવગઢ વાળાને ઝડપી લીધા હતા. અન્ય આરોપીઓને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી હતી.જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨ કીમત રૂપિયા ૪૫૦૦ અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ ૦૪ કિંમત રુપિયા ૭૨૦૦, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર ૪૦ કિંમત રૂપિયા ૨,૨૫,૦૦૦ તેમજ દારૂની ખાલી બોટલ નંગ ૩૮૪ કિંમત રૂપિયા ૭૬૮૦ અન્ય બ્રાંડની દારૂની ખાલી બોટલ નંગ ૭૮૦ કિંમત રૂપિયા ૧૫,૬૦૦ તેમજ બોટલ પર લગાડવાના અલગ-અલગ કંપનીના ઢાંકણા નંગ ૧૫૪૦ કિંમત રૂ ૧૫,૪૦૦ તેમજ બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ ૨૨૦૦ તેમજ હેન્ડ મશીન નંગ ૦૨ કિંમત રૂપિયા ૧૦૦૦ અને મોબાઈલ કિંમત રૂપિયા ૨૦૦૦ સહીત કુલ રૂપિયા ૨,૭૯,૭૦૫ નો મુદામાલ કબજે લીધો હતો.