કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારીયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા ૩ લોકોના મોત થયા છે. જેમાં ૨ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં ૧૦ થી ૧૨ લોકોને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૩ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ૧૦૮ એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં શોક માહોલ છવાઇ ગયો છે.