અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ અમરેલી જિલ્લાની ઐતિહાસિક ધરોહર સમા ગોપાલગ્રામ દરબાર ગઢની મુલાકાત લીધી હતી. તેમની સાથે ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, ધારી માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ અને ગામના આગેવાનો હરેશભાઈ વાળા, મેરામભાઈ વાળા, રમણિકભાઈ ઠુમ્મર અને રાજુભાઈ ઠુમ્મર પણ જોડાયા હતા. ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગામના પ્રજાવત્સલ રાજવી દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ અને રાજરાણી પૂ. ભક્તિબાના આદર્શ જીવન વિશે જાણકારી આપી હતી. તેમણે સ્વરાજ, લોકતંત્ર, ખેડૂત હિત અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન વિશે પણ જનપ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા.સાંસદ ભરતભાઈ સુતરિયાએ દરબાર સાહેબની યાદગીરી માટે ગામમાં જે પણ કરવાની જરૂર હશે તેમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. તેમણે દરબાર ગઢમાં કાર્યરત ભક્તિબા કન્યાશાળાના શિક્ષકોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, “સ્વાતંત્ર્ય સેનાની રાજવી દંપતિએ વર્ષો પહેલાં પ્રજા માટે કેળવણીની જે કાળજી લીધી હતી તેનું નામ રોશન થાય એવું કામ આપણે કરવું જોઈએ.’’ સંસ્થાના ટ્રસ્ટી વિપુલ ભટ્ટી, કિર્તી ભટ્ટ અને ડા. વાળા સાહેબે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે દરબાર ગઢની મુલાકાત લેવા બદલ સાંસદ અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.