ભરૂચમાં નિર્ભયાની મોતના શરમજનક બનાવના પડઘા શાંત નથી પડ્યા ત્યાં તો ૭૨ વર્ષીય વૃદ્ધા પર ૩૫ વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. આમોદ તાલુકામાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચુકેલા શખ્સે ફરીથી કૃત્ય કરતા બનાવના પગલે એસપી સહિત એલસીબી એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરવા અલગ અલગ ટીમ રવાના કરી છે.
ગુજરાતમાં ફરીથી શર્મસાર કરતી ઘટના બની છે. ભરૂચ જીલ્લાના આમોદ તાલુકામાં ઈંટોલા ગામે ૩૫ વર્ષીય નરાધમે જેલવાસ ભોગવ્યા બાદ ગામમાં આવી ગામની સીમમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતાં જીલ્લા પોલીસવડા તેમના કાફલા સહિત ઘટનાસ્થળે પહોંચી નરાધમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલાઓ સામે છેડતી, હુમલો, હત્યા, બળાત્કાર અને ઘરેલુ હિંસાના કેસ સતત વધી રહ્યા છે. દર વર્ષે મહિલાઓ પર અત્યાચારના ૭ થી ૮ હજાર કેસ પોલીસ ડાયરીમાં નોંધાય છે. આના કરતાં પણ મોટા ભાગના કેસ નોંધાયા વિના જ બને છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૦૭૬ બળાત્કાર, ૨૦૨૧-૨૨માં ૨૨૩૯, ૨૦૨૨-૨૩માં ૨૨૦૯ બળાત્કાર થયા હતા.
આ આંકડાઓ અત્યંત ચિંતાજનક છે, પરંતુ તેનાથી પણ વધુ ડરામણી બાબત એ છે કે પોલીસ ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બળાત્કારના ૧૯૪ ગુનેગારો હજુ પકડવાના બાકી છે, જેમાંથી ૬૭ આરોપીઓ છેલ્લા ૬ મહિનાથી ફરાર છે. ૬૩ આરોપીઓ એક વર્ષથી અને ૬૪ આરોપી બે વર્ષથી પોલીસથી નાસી છૂટ્યા છે. આ સંજાગોમાં આપણે કેવી રીતે કહી શકીએ કે ગુજરાત સુરક્ષિત છે? મહિલાઓ સુરક્ષિત છે.