ભાજપનું સદસ્યતા અભિયાન ફરીએકવાર વિવાદમાં આવ્યું છે. જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂનાગઢમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દર્દીઓની સાથે આવેલા વ્યક્તિએ ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી આવેલા આંખના દર્દીઓની ભાજપના સદસ્ય તરીકે નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોનું માનીએ તો ભાજપના નેતાઓ અને કાર્યકરોને ભાજપના સદસ્યો બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને ટાર્ગેટ પુરો કરવા માટે તેઓ જ્યાં જે મળે તેને ભાજપના સદસ્ય બનાવવા માટે અધીરા બની જાય છે. થોડા સમય પહેલા વિસનગરની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. સુત્રોનું માનીએ તો અહીં કામ કરતો એક પ્યૂન જે ભાજપનો કાર્યકર છે તેના દ્વારા આ રીતે દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવમાં આવતો હોવાનું ખુલ્યું હતું.. આ પ્યૂન દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવા માટે તેમના મોબાઇલમાં સદસ્યતા પ્રોસેસ માટે આવતો ઓટીપી માંગીને તેમને સદસ્ય બનાવી લેતો હતો.. દરમ્યાન એક વ્યક્તિ પાસે તેણે એ રીતે ઓટીપી લીધો હતો કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે..જે બાદ આ વ્યકિતએ ફરીયાદ કરતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.