આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન વિરુદ્ધ પાકિસ્તાન સાથેના સંબંધોના સંદર્ભમાં કેસ નોંધવામાં આવી શકે છે. આની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવશે. શર્માએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે, જેમાં “સંપૂર્ણ સહાયક ઇકોસિસ્ટમ અને સહાનુભૂતિ રાખનારાઓ”નો સમાવેશ થશે કારણ કે એવી શંકા છે કે જ્યારે ગૌરવ ગોગોઈના પિતા, સ્વર્ગસ્થ તરુણ ગોગોઈ, રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે  આઇએસઆઇએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હશે.

ગૌરવ ગોગોઈએ કહ્યું કે ભાજપ તેમને અને તેમના પરિવારને બદનામ કરવામાં ખૂબ આગળ નીકળી ગયું છે. તેમણે પોતાના પરના આરોપોને “દુર્ભાવનાપૂર્ણ અને પાયાવિહોણા” ગણાવ્યા અને કહ્યું કે તેઓ યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે. ગોગોઈએ તેમની પત્નીને આસામી ભાષામાં એક પત્ર લખ્યો અને તેને ફેસબુક પર શેર કર્યો, જેમાં તેમને ખાતરી આપી કે સત્યનો વિજય થશે.

મુખ્યમંત્રીએ અહીં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ ધીમે ધીમે સામે આવી રહી છે. વધુ ને વધુ માહિતી બહાર આવી રહી છે.” તેમણે કહ્યું કે કોલબર્ન તેના લગ્ન પછી પાકિસ્તાન ગઈ હતી તે ચોક્કસ જાણીતું હતું, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેનો પતિ તેની સાથે હતો કે નહીં. શર્માએ કહ્યું, “ઘણા પ્રકારની ઊંડી માહિતી પ્રકાશમાં આવી રહી છે. કેબિનેટ આવતીકાલે તેના પર ચર્ચા કરશે અને સંભવતઃ એક એસઆઇટીની રચના કરવામાં આવશે કારણ કે તપાસને આગળ વધારવા અને પાસપોર્ટ અને વિઝા વિગતો ચકાસવા માટે પોલીસ કેસની જરૂર છે. તેમણે કહ્યું કે “સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ અને સપોર્ટર્સ” ની વિગતવાર તપાસ કરવામાં આવશે.

શર્માએ એમ પણ કહ્યું કે કોલબર્નના સસરા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આઇએસઆઇએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું, “શરૂઆતમાં આ મુદ્દો રાજકીય ચર્ચાનો હતો. પરંતુ જ્યારે આઇએસઆઇની સંડોવણીની વાત આવે છે, ત્યારે આપણે તેને આમ જ જવા દઈ શકીએ નહીં.” ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ કોલબર્નની પૂછપરછ ચાલુ રાખતા, શર્માએ શનિવારે ‘ઠ’ પર આરોપ લગાવતા કહ્યું, “આ નેટવર્ક હવે શરૂઆતમાં વિચાર્યું હતું તેના કરતાં ઘણું મહત્વપૂર્ણ અને ઊંડું લાગે છે.”

શર્માએ પાકિસ્તાન પ્લાનિંગ કમિશનના સલાહકાર અને કોલબર્નના ભૂતપૂર્વ સાથીદાર અલી તૌકીર શેખ દ્વારા ‘એકસ’ પર કરવામાં આવેલી જૂની પોસ્ટ્‌સના ‘સ્ક્રીનશોટ’ શેર કર્યા અને દાવો કર્યો કે ગોગોઈ પરિવાર અને પાકિસ્તાની નાગરિક વચ્ચેના સંબંધો ‘ઊંડા’ હોવાનું જણાય છે. શર્માએ ૨૦૧૯ માં ‘એકસ’ પર શેખ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં તેમણે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની સમસ્યા પર ટિપ્પણી કરી હતી. સ્ક્રીનશોટ શેર કરતાં શર્માએ લખ્યું, “માનનીય સાંસદના પત્ની એલિઝાબેથ કોલબર્ન,એલઇએડી પાકિસ્તાન નામની સંસ્થામાં અલી તૌકીર શેખ હેઠળ કામ કરતા હતા. આ સંગઠન આબોહવા પરિવર્તન પહેલના આડમાં કાર્યરત હતું.” તેમણે દાવો કર્યો હતો કે શેખના કાર્યો અને લખાણોની “ઊંડી તપાસ” થી તેમની ઊંડી અને વધુ વ્યૂહાત્મક સંડોવણી બહાર આવી છે, ખાસ કરીને આસામમાં.

શર્માએ પોતાની પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ટેગ કરીને કહ્યું, “આ નેટવર્કનું વિસ્તરણ હવે પહેલા કરતાં વધુ નોંધપાત્ર અને ઊંડાણપૂર્વક સ્થાપિત થયું હોય તેવું લાગે છે.” મુખ્યમંત્રીએ ૨૦૨૦ માં શેખ દ્વારા લખાયેલ બીજી પોસ્ટ શેર કરી હતી, જેમાં પાકિસ્તાની નાગરિકે સંસદમાં દિલ્હી રમખાણોનો મુદ્દો ઉઠાવવા બદલ ગોગોઈ અને અન્ય લોકોની પ્રશંસા કરી હતી. શર્માએ કહ્યું, “પાકિસ્તાની નાગરિક અલી શેખે ભારત વિરોધી પ્રચાર શેર કર્યો હતો અને માનનીય સાંસદને સંસદમાં ૨૦૨૦ ના દિલ્હી રમખાણોનો મુદ્દો ઉઠાવવા બદલ ટેગ કરીને પ્રોત્સાહન પણ આપ્યું હતું. એવું લાગે છે કે આ સંબંધો ખૂબ જ ઊંડા છે. શેખ LEAD પાકિસ્તાનમાં એલિઝાબેથ કોલબર્નના સાથીદાર અને સુપરવાઇઝર હતા. મુખ્યમંત્રીએ સપ્ટેમ્બર ૨૦૧૪ માં ‘એકસ’ પર કોલબર્ન દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, “ઇસ્લામાબાદમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું. મને શાંતિપૂર્ણ ઉકેલની આશા છે.” દરમિયાન, ગોગોઈએ તેમની પત્નીને આસામી ભાષામાં લખેલા પત્રમાં, તેમના પરિવાર, દેશ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓને સ્વીકારવા બદલ અને નવી દિલ્હીમાં તેમના કાર્યસ્થળ પર રહીને તેમના બે બાળકોની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો. ગોગોઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એલિઝાબેથ માટે બ્રિટિશ પાસપોર્ટ રાખવો એ ગુનો નથી કારણ કે બધી સ્ત્રીઓ માટે તેમના માતાપિતા અને દેશ પ્રત્યે ઝુકાવ હોવો સ્વાભાવિક છે.