આમ આદમી પાર્ટીએ શનિવારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકાર પર ખાનગી શાળાઓને મનસ્વી રીતે ફી વધારવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા, આપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને “શિક્ષણ માફિયા” ને સોંપી દીધી છે. સિસોદિયાએ કહ્યું, “દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી લોકો પરેશાન છે. હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, લાંબા વીજળી કાપ છે અને હવે ખાનગી શાળાઓ ફી વધારીને વાલીઓને લૂંટી રહી છે.”

તેમણે દાવો કર્યો હતો કે ઘણી ખાનગી શાળાઓએ ફીમાં ૨૦ થી ૮૨ ટકાનો વધારો કર્યો છે. તેમણે સરકાર પર નિસ્ક્રીયતાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં,આપ નેતા આતિશીએ આરોપોને પુનરાવર્તિત કર્યા અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા તપાસની માંગ કરી. તેમણે કહ્યું, “આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા, જુઓ કે કેવી રીતે ૨૦૧૫ માં સત્તામાં આવ્યા પછી અરવિંદ કેજરીવાલની સરકારે ખાનગી શાળાઓને મનસ્વી રીતે ફી વધારતા અટકાવી હતી. પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે જ આ શાળાઓને ફરીથી લૂંટ કરવાની છૂટ મળી ગઈ.”

તેમણે પ્રશ્ન કર્યો કે ખાનગી શાળાઓ, જેમણે એક દાયકાથી ફી વધારી ન હતી, તેઓ ભાજપ સત્તામાં આવ્યાના એક મહિનાની અંદર ફી કેવી રીતે વધારી રહી છે. તેમણે પૂછ્યું, “શું ભાજપ સરકાર આમાં સામેલ છે?” શુક્રવારે, આપના રાષ્ટ્રીય કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ‘એકસ’ દ્વારકાની એક ખાનગી શાળામાં ફી વધારા અંગેની એક અખબારની કલીપિંગ શેર કરી હતી. તેમણે કહ્યું, “૧૦ વર્ષમાં, અમે દિલ્હીમાં ખાનગી શાળાઓને મનસ્વી રીતે ફી વધારવાની મંજૂરી આપી નથી. અમે શિક્ષણ માફિયાઓનો અંત લાવ્યો છે. તેમની (ભાજપ) સરકાર બન્યાના એક મહિનાની અંદર, શિક્ષણ માફિયા પાછા આવી ગયા છે.”