નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઇએએ આતંકવાદ ફેલાવવાના આરોપમાં બે લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને પર તમિલનાડુ અને પડોશી રાજ્યોમાં કથિત રીતે આતંક ફેલાવવાનો અને ભારતમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. એનઆઇઅ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ મુજબ, બંને આરોપીઓ હિઝબુત-તહરિર આતંકવાદી સંગઠનના ગુપ્ત વર્ગોમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં સક્રિય રીતે સામેલ હતા. એનઆઇએએ આ સમગ્ર ષડયંત્રની તપાસના સંબંધમાં ચેન્નાઈના પૂનમલ્લી સ્થિત વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં અબ્દુલ રહેમાન અને મુજીબુર રહેમાન ઉર્ફે અલ્થમ સાહિબ વિરુદ્ધ બીએનએસ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને પર તમિલનાડુ અને અન્ય સ્થળોએ હિઝબુત-તહરિર વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે કાવતરું ઘડવાનો અને આતંકવાદી કૃત્યો કરવાની તૈયારી કરવાનો આરોપ છે. એનઆઇએએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બંને આરોપી અબ્દુલ રહેમાન અને મુજીબુર રહેમાન ઉર્ફે અલ્થમ સાહેબે ધાર્મિક પ્રદર્શન માટે ક્લાસનું પણ આયોજન કર્યું હતું. આ બંનેએ સોશિયલ મીડિયા પર સંગઠનની ભારત વિરોધી વિચારધારાને પ્રમોટ કરવા માટે ઘણી ટૂંકી ફિલ્મો પણ બનાવી હતી. બંને આરોપીઓએ ઈસ્લામિક દેશોની સૈન્ય તાકાત બતાવવા માટે એક પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓને જેહાદ અને યુદ્ધની મદદથી ભારત સરકારને ઉથલાવી દેવા માટે બોલાવવામાં આવશે. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓએ સંગઠનના અધિકારીઓ સાથે મળીને વિચારધારાનો પ્રચાર કરવા માટે કાવતરું ઘડ્યું હતું. તેનો ઉદ્દેશ્ય ભારતમાં ઇસ્લામિક ખિલાફતની સ્થાપના કરવાનો હતો. આ સાથે, તેઓ હિઝબુત-તહરીના સ્થાપક તાકી અલ-દિન અલ-નભાની દ્વારા લખવામાં આવેલા શરિયા આધારિત બંધારણના મુસદ્દાને અમલમાં મૂકવા માંગતા હતા.