અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડની ભારત મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદેસર સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અહેવાલ છે કે સંરક્ષણ પ્રધાને અમેરિકી વહીવટીતંત્રને નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.
ગબાર્ડ વહેલી સવારે ભારતની અઢી દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે. સોમવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, સંરક્ષણ અને માહિતી શેરિંગના ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રાજનાથે કહ્યું કે તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફને મળીને ખુશ થયા અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી સંરક્ષણ અને માહિતી શેરિંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.”
એક દિવસ પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગબાર્ડે રવિવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને વિશ્વભરના ટોચના ગુપ્તચર અધિકારીઓના પરિષદની અધ્યક્ષતા કરી હતી. એવું માનવામાં આવે છે કે રૂબરૂ મુલાકાતમાં, ડોભાલ અને ગબાર્ડે મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વીક વ્યૂહાત્મક ભાગીદારી અનુસાર ગુપ્ત માહિતી શેરિંગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.