ભારતની મહિલા અન્ડર-૧૯ ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો અને સતત બીજી વખત અંડર-૧૯ મહિલા ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ જીતે ભારતીય ક્રિકેટને વધુ ગૌરવ અપાવ્યું છે, અને બતાવે છે કે મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં ભારત સતત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ટીમ ઈન્ડીયાએ આ મેચ એકતરફી રીતે જીતી હતી. ટીમ ઈન્ડીયાએ ગત વખતે ફાઈનલમાં ઈંગ્લેન્ડની અંડર-૧૯ મહિલા ટીમને હરાવી હતી.
ફાઈનલ મેચ ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને ૦૯ વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા ૮૩ રનના ટાર્ગેટને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય બોલરોએ પ્રથમ બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાને માત્ર ૮૨ રનમાં જ રોકી દીધું હતું. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્ય માત્ર ૧૧.૨ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધું હતું અને ફાઈનલ જીત્યા બાદ આખા દેશને આ યુવા મહિલા ખેલાડીઓ પર ગર્વ છે. આ ટુર્નામેન્ટમાં રમાયેલી તમામ મેચો મહિલા ટીમે જીતી હતી.
આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગોંગડી ત્રિશા, વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા, પારુણિકા સિસોદિયા અને શબનમ શકીલે શાનદાર બોલિંગ કરી અને આ પાંચેયની બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઇન-અપ સંપૂર્ણપણે તૂટી ગઈ. ટીમ ઈન્ડીયાના કેપ્ટને પણ પોતાની કેપ્ટનશિપ દરમિયાન ટીમને સાચી દિશા બતાવી જેના કારણે ટીમે શાનદાર જીત મેળવી.
ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં તેની મજબૂત શરૂઆતથી લઈને ફાઈનલ સુધીની સફર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આ સફર ભારતીય ક્રિકેટ માટે મહત્વની સિદ્ધિ છે. આ જીત માત્ર ટીમની મહેનતનું પરિણામ નથી, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટના ભવિષ્ય માટે સુવર્ણ સંકેત પણ છે. ભારતની મહિલા અન્ડર-૧૯ ટીમની આ સફળતા યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. ગત વખતે ભારતીય મહિલા ટીમે શેફાલી વર્માની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.