પાકિસ્તાન પહેલાથી જ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે પાણીને કારણે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે હવે તેને સિંધુ નદીમાંથી પાણી મળશે નહીં. તો હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલમનું પાણી અચાનક ત્યાં પહોંચી ગયું છે.

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ સંદર્ભમાં, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. થયું એવું કે ભારતે સિંધુનું પાણી રોકવાની જાહેરાત કરી દીધી. આવી સ્થિતિમાં, હવે પાકિસ્તાની મીડિયા દાવો કરે છે કે ભારતે ઝેલમ નદીમાં અચાનક પાણી છોડી દીધું, જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું. પરિસ્થિતિ વધુ વણસી રહી છે તે જોઈને સ્થાનિક વહીવટીતંત્રે હટ્ટીયાન બાલા વિસ્તારમાં પાણીની કટોકટી જાહેર કરી છે અને લોકોને ચેતવણી આપવા માટે મસ્જીદોમાંથી જાહેરાતો કરવામાં આવી રહી છે.

હકીકતમાં, શનિવારે ભારતે સિંધુ જળ સંધિને ઔપચારિક રીતે સ્થગિત કરવા માટે પાકિસ્તાનને સૂચના સોંપી હતી. આ પછી, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે કોઈપણ પૂર્વ માહિતી વિના ઝેલમ નદીમાં પાણી છોડ્યું, જે બારામુલ્લા થઈને ચકોઠી વિસ્તારમાં પહોંચ્યું. હવે ભારતને નદીઓ પર નવા પ્રોજેક્ટ બનાવવા કે નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પાકિસ્તાન પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. જોકે, પાણી છોડવા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

બીજી તરફ, પાકિસ્તાને સિંધુ અંગે ભારતના નિર્ણય પર ખોટી ચેતવણી આપી છે કે જો ભારત પાણીનો પ્રવાહ રોકે છે, તો તેને ‘યુદ્ધનું કૃત્ય’ ગણવામાં આવશે. નિષ્ણાતોના મતે, સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનના કૃષિ અર્થતંત્રને ભારે નુકસાન થશે. તેની ખેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી નદીઓ પર આધારિત છે અને પાણી પુરવઠામાં વિક્ષેપ પણ ખાદ્ય સુરક્ષા માટે ખતરો બની શકે છે.

હાલમાં, ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાના કારણે ઘણા મોટા ફેરફારો થયા છે. હવે બંને દેશોના જળ કમિશનરોની કોઈ બેઠક નહીં થાય, પાણી સંબંધિત ડેટાનું આદાનપ્રદાન બંધ થઈ જશે, પાકિસ્તાનને ભારતમાં બની રહેલા નવા પ્રોજેક્ટ્‌સ વિશે માહિતી મળશે નહીં અને પાકિસ્તાની અધિકારીઓ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય પ્રોજેક્ટ્‌સનું નિરીક્ષણ કરી શકશે નહીં. આના કારણે પાકિસ્તાન પૂર અને દુષ્કાળ વિશે સમયસર માહિતી મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં ખતરો વધુ વધી શકે છે.