ભારતે યુએન માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર ટકર્ના નિવેદનોને પાયાવિહોણા અને અતાર્કિક ગણાવ્યા છે જેમાં તેમણે મણિપુર અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત અરિંદમ બાગચીએ કહ્યું કે આ ટિપ્પણીઓ વાસ્તવિકતાથી ઘણી દૂર છે. આમાં, પસંદગીના કિસ્સાઓને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
માનવ અધિકાર પરિષદના ૫૮મા સત્રમાં પોતાના વૈશ્ચિક અપડેટમાં તુર્કે ભારતનું નામ લઈને મણિપુર અને કાશ્મીરની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કડક પ્રતિક્રિયા આપતા બાગચીએ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ છે. તે એક સ્વસ્થ, ગતિશીલ અને બહુલવાદી સમાજ છે. આપણા નાગરિક સમાજની તાકાત અને ખુલ્લાપણાને વધુ સારી રીતે સમજવાની જરૂર છે.
રાજદૂત બાગચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તુર્કની ટિપ્પણીઓ આ પ્રદેશ (જમ્મુ અને કાશ્મીર) માં શાંતિ અને સમાવિષ્ટ પ્રગતિમાં સુધારો કરવા માટે વિરોધાભાસી છે. પંચાયત ચૂંટણીઓમાં મતદાનની ઊંચી ટકાવારી, પ્રવાસનમાં તેજી અને ઝડપી વિકાસ દર આના ઉદાહરણો છે. તેમણે કહ્યું કે ભારતના લોકોએ વારંવાર આવી પાયાવિહોણી ચિંતાઓને ખોટી સાબિત કરી છે. મણિપુરની પરિસ્થિતિ અંગે યુએનના દૃષ્ટિકોણ સામે પણ ભારતે વાંધો ઉઠાવ્યો હતો. બાગચીએ કહ્યું કે સરકારે હિંસાગ્રસ્ત વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સક્રિય પગલાં લીધાં છે અને પુનર્વસન પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ દેશના આંતરિક પડકારોને સમજવામાં સંવેદનશીલતા દાખવવી જાઈએ.