ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર, અર્થતંત્ર, વૈજ્ઞાનિક ટેક્નોલોજી બાબતો પરના આંતર-સરકારી કમિશનની ૨૫મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું. રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ કરી રહ્યા હતા. બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર વધીને ૧૦૦ અબજ ડોલર થઈ જશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ‘બંને દેશો વચ્ચે વેપારમાં કેટલાક પડકારો છે, ખાસ કરીને ચૂકવણી અને પુરવઠાને લગતા. આ મામલે ઘણું કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક કામ બાકી છે. નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોર અને નોર્ધન સી રૂટ જેવી કનેક્ટિવિટી અંગેના અમારા સંયુક્ત પ્રયાસોને આગળ વધારવા જાઈએ.
એસ જયશંકરે કહ્યું કે ‘મીટિંગ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષાના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. રશિયા ભારત માટે ખાતર, ક્રૂડ ઓઈલ, કોલસો અને યુરેનિયમના મુખ્ય સ્ત્રત તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત, ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પણ રશિયા માટે સસ્તો અને ભરોસાપાત્ર સ્ત્રત બની ગયો છે. મને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૩૦ સુધીમાં અથવા તેનાથી પણ પહેલા ૧૦૦ બિલિયનનું લક્ષ્ય હાંસલ કરશે.
બેઠક દરમિયાન રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે કહ્યું હતું કે ‘ભારત અને રશિયા વચ્ચેનો વેપાર છેલ્લા ૫ વર્ષમાં પાંચ ગણાથી વધુ વધ્યો છે. રશિયાના તમામ વિદેશી આર્થિક ભાગીદારોમાં ભારત હવે બીજા સૌથી મહત્વપૂર્ણ દેશ છે. અમે ઇઇયુ અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર તેમજ સેવાઓ અને રોકાણ અંગેના દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
મન્તુરોવે કહ્યું કે ‘અમે રશિયન અને ભારતીય બેંકો વચ્ચે સંકલન વધારવા પર કામ કરવાનું ચાલુ રાખીશું. અમે બંને દેશો વચ્ચે ડાયરેક્ટ એર ટ્રાફિક વિસ્તારવામાં પણ રસ ધરાવીએ છીએ. હાલમાં, માત્ર રશિયન એરલાઇન એરોફ્લોટ બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે મોસ્કો અને યેકાટેરિનબર્ગથી દિલ્હી અને ગોવા માટે દર અઠવાડિયે ૧૨ નિયમિત ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. અમે આશા રાખીએ છીએ કે જેમ જેમ રૂટ નેટવર્ક વિકસિત થશે તેમ ભારતીય એરલાઇન્સ પણ રશિયા જવા માટે વધુ પ્રયત્નો કરશે. અમે પરમાણુ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સહયોગને વિસ્તારવા પણ આતુર છીએ. અમે મેક ઇન ઇન્ડીયા હેઠળ ભારતીય રેલ્વે માટે હાઇ-સ્પીડ ઇલેસ્ટ્રીક ટ્રેનોના સંયુક્ત ઉત્પાદન પર પણ કામ કરી રહ્યા છીએ.