ભાવનગરમાં લઘુ ઉદ્યોગ શરૂ કરવા લઘુ ઉદ્યોગકારોને નાણાકીય સહાય મળે તે માટે સરકારની વિવિધ યોજના, કાર્યક્રમ અંતર્ગત મળતી સબસીડી કે લોનનો બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચમાં દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બિલોની મદદથી છેતરપિંડી કરવામાં આવી છે.
લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર પીએમ એમ્પલોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ,પીએમ મુદ્રા યોજના અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ યોજનાનો દુરૂપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બિલો રજૂ કરી સરકારી યોજનાનો ગેરકાયદેસર લાભ લઈ સરકાર સાથે રૂપિયા ૧.૦૧ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓ બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન ક્રેડિટ ઓફિસર, તત્કાલિન બ્રાંચ મેનેજર અને તેના સાથીઓ સહિત ૨૮ શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ મુજબ ૨૦૨૩ નાણાકીય વર્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું. જેમાં લોન લેનારાઓએ બનાવટી ઈનવોઈસ બિલો રજૂ કરી નાણાકીય સહાય મેળવી હતી. તેમજ અરજીમાં ધંધાના સ્થળે મશીનરી કે ધંધાનું સ્થળ નહીં મળી આવતા શંકા ઊભી થઈ હતી. અનુસંધાને ૨૪ જેટલા લાભાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાંથી ૧૦ લોકોએ નોટિસ આપ્યાથી લોન ભરપાઈ કરી દીધી હતી, પરંતુ અન્ય લાભાર્થીઓએ લોન ભરી નહીં. રૂપિયા ૧૦૧૩૫૩૪૧નું મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બાદમાં મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલિન બ્રાંચ મેનેજર શિવશંકર ઝા અને તત્કાલિન ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારૂને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બાદમાં બેંકની ઈન્ટરલન ઈન્કવાયરી કરવામાં આવી હતી. ઘટનાને પગલે બેંક ઓફ બરોડાના રિજનલ હેડએ ડોક્યુમેન્ટસ સાથે ચેડા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવા બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર પોલીસે પુરાવાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તત્કાલિન બ્રાંચ મેનેજર, તત્કાલિન ક્રેડિટ ઓફિસર, હિતેશ દલપતભાઈ ગલચર, રમેશ મગનભાઈ જાવિયા, ટીલાવત જયશ્રીબેન અનિલભાઈ, નિખિલ પ્રકાશભાઈ સોલંકી, વૈભવ હિતેશભાઈ દોશી, સ્વાતી ધર્મેશભાઈ સવાણી, માયાબેન ઘનશ્યામભાઈ પંડયા, દિનેશ નાગજીભાઈ ડાભી, વિજય દેવજીભાઈ પરમાર, કૃણાલ રમેશભાઈ બથવાર, ચેતનાબેન રમેશભાઈ જાવિયા, શૈલેન્દ્ર પરશોત્તમભાઈ પટેલ, રિદ્ધિબેન બટુકભાઈ ડગરા, ધર્મિષ્ઠાબેન કિશનકુમાર સાવલીયા, પ્રદિપ રણછોડભાઈ મકવાણા, જેસિંગ રણછોડભાઈ રાઠોડ, અમિત મનુભાઈ ચૌહાણ, જવલબેન ભલાભાઈ દિહોરા, કેતન ધનજીભાઈ પરમાર, અક્ષય પ્રવિણભાઈ મકવાણા, ભાયા કાનાભાઈ ડાભી, શૈલેષ બોઘાભાઈ ગોહિલ, જયદીપ બુધાભાઈ બારૈયા, મુકેશ દલાભાઈ બારૈયા, હેતલબેન અરવિંદભાઈ બારૈયા, હિતેષ ચંદ્રકાંતભાઈ રાઠોડ વિરૂદ્ધ ગુના નોંધાયા છે.