ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી ચારણ વિધાલય ખાતે નવા બનનાર શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજનનો કાર્યક્રમ તા. ૪ ડીસેમ્બરના રોજ પૂ. મોરારિબાપુ તથા પ.પૂ. કંચનમા (મઢડા), પ. પૂ. રૂપલમા (રામપરા), પ.પૂ. દેવલમા (બલિયાવડ) તથા પૂ.ગિરીશઆપા (મઢડા)ના હસ્તે યોજાયો હતો. પૂ. મોરારીબાપુએ આશીર્વચનમાં પરમાત્મા શિવ સાથેના સહવાસનું ચારણોનું વર્ણન વર્ણવ્યું હતું અને ચારણો પ્રત્યેની પોતાની પ્રીતિને દોહરાવી હતી. તેમજ પૂ. સોનલમાના સમાજ ઉત્થાનના કાર્યોને વર્ણવ્યા હતા. પૂ. દેવલમાએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂ. કાગબાબુના પ્રપૌત્ર ઈશ કાગે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. પૂર્વ ગૃહપતિ સ્વ. ધનરાજભાઈ દેવકરણભાઈ નૈયા તથા સંસ્થાના પૂર્વ પ્રમુખો સ્વ.નારણભાઈ મધુભાઇ મહેડું, સ્વ. દુલા ભાયા કાગ, સ્વ. રામભાઈ રાયખાભાઈ આલગા, રામભાઈ દુલાભાઈ કાગ, મંત્રીઓ અને ગૃહપતિઓનુ સન્માન કરવામાં આવેલ હતુ. લોકગાયક કીર્તિદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.