ભાવનગર શહેરમાં એક રાતમાં ૨ આગ લાગવાના અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે બંને આગ ગોડાઉનમાં જ લાગી હતી, પરંતુ એક પ્લાસ્ટીક વેસ્ટનું ગોડાઉન અને બીજું લાકડાનું ગોડાઉન છે. ભાવનગર શહેરમાં ગત રાત્રે અને વહેલી સવારે એમ બે આગના બનાવ બન્યા હતા. જૂના બંદર રોડ ઉપર પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યારે વહેલી સવારે સીદસર રીડ ઉપર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે બન્ને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે ફાયર વિભાગને જાણ કરાઈ હતી કે, જુના બંદર પર એક ગોડાઉનમાં આગ લાગી છે. આથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. બનાવને પગલે ફાયર વિભાગ કચેરી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી કે, ગત રાત્રે ૧૦ કલાકની આસપાસ માહિતી મળી હતી કે, જુના બંદર રોડ ઉપર રીના ટાઇલ્સ વાળા ખાંચામાં આવેલા પ્લોટ નમ્બર ૧૩૦/છ માં આગ લાગી છે. આગ પ્લાસ્ટીકના ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટીકના જથ્થામાં લાગી છે. આથી ૨ ગાડી મોકલી પાણી છંટકાવ કરી આગ બુઝાવી દીધી હતી. જો કે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી, તેમજ ગોડાઉનના માલિક રાજુભાઇ બધેકા તરફથી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
ભાવનગર મોડી રાત બાદ વહેલી સવારે બીજા આગનો બનાવ સીદસર રોડ ઉપર બનવા પામ્યો હતો. ફાયર વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગરના સીદસર બુધેલ બાયપાસ રોડ ઉપર આવેલ જગદીશ સોસાયટીમાં પ્લોટ નંબર ૫ માં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચર ગોડાઉનના માલિક વિવેક મનીષભાઈ મકવાણાને સવારે ૫ કલાકની આસપાસ જાણ થતાં ગાડીને મોકલી આગ બુઝાવી હતી. જો કે આગનું કારણ જાણી શકાયું નથી તેમજ કોઈ જાનહાની થવા પામી નથી.