કાળી ચૌદશની રાતે ભારતમાં કુલ મળીને દર સેકન્ડે એક વખત આ પ્રશ્ન પૂછાય છે ઃ શું તમે ભૂતમાં માનો છો???
વિશ્વમાં કોઇ માણસ એવો નથી જેને આ પ્રશ્ન ક્યારેય ન પૂછાયો હોય અને જેણે આ પ્રશ્ન ક્યારેય કોઇને ન પૂછ્યો હોય: શું તમે ભૂતમાં માનો છો????
એક વાત ખરી કે ભૂત પોતે નસીબદારોને જ જોવા મળે છે. તે ઇશ્વર જેવું છે. જેને-તેને દર્શન નથી આપતું. જેને-તેને હેરાન પણ નથી કરતું. જેને-તેને માલામાલ પણ બનાવી નથી દેતું. જો કે કેટલાક વિદ્વાનો કહે છે કે ભૂત એ કોઈ કામની વસ્તુ નથી.
હકીકતમાં ઘોસ્ટ એક અત્યંત કામની હસ્તી છે.
ભૂત એક વિનામૂલ્યે મળતી મસ્તી છે.
ભૂત આમ જુઓ તો સોનાના ભાવે વેચાતી પસ્તી છે.
ભૂતનો સૌથી મોટો ઉપયોગ ડરવા અને ડરાવવામાં થાય છે. તમને લાંબા સમયથી ક્યાંય, કોઈનાથી ડરવા જ ન મળ્યું હોય તો શક્ય છે કે ભૂત તમને ડરવામાં કામ લાગે. કોઈ સારું અને શક્તિશાળી ભૂત હોય તો તમારે જેટલું ડરવું હોય એટલું ડરી શકો. ભૂતનો એક મોટો ફાયદો એ હોય છે કે તમારી પાસેથી એ રામસે બ્રધર્સની જેમ તમને ડરાવવાના પૈસા વસૂલતું નથી. એની ‘ડર સેવા’ એટલી બધી નિઃસ્વાર્થ હોય છે કે તેને માનનારને હંમેશા વિનામૂલ્યે જ ડરાવે છે. એન્ટિ-કરપ્શન બ્યુરોએ અત્યાર સુધી કોઈ ભૂતને ડરાવવા બદલ માણસો પાસેથી પૈસા પડાવતું પકડ્યું નથી. નહિતર…આહાર-ભય-નિંદ્રા-મૈથુનના જરૂરી ક્વોટા વગર ચાલે છે મનુષ્યને ? હા, એટલું ખરું કે ભૂતનો યોગ્ય ઉપયોગ કરીને અમુક પ્રકારના મનુષ્યો સારો એવો પૈસો બનાવી શકે છે. ભુવાઓ અને તાંત્રિકો માટે ભૂત એ ધંધાનું સાધન છે. ભૂત અનેક લેખકોનું તારણહાર છે. ભૂત અનેક ફિલ્મકારોની કેરિયર છે. તમે કલ્પના કરી શકો કે જગતમાં ભૂત ન હોત તો રામસે બ્રધર્સની કેરિયર કઈ દિશામાં ડાકલા વગાડતી હોત?
માત્ર કેરિયરનો કરંડિયો માથે લઈને ફરનારાઓને જ નહીં, સાધારણ મનુષ્યોને પણ ભૂત ઓછું ઉપયોગી નથી. ઉનાળાની ગોર્જિયસ ગરમીના દિવસોમાં અગાસી કે ધાબા ઉપર સૂવા જનારાઓની મોજીલી મંડળીઓ પાસે ભૂતની વાતો જ ન હોય એવી કલ્પના શું ડરામણી નથી ? શહેર-ગામથી દૂર-સુદૂરની સીમમાં કે જંગલમાં અધરાતે-મધરાતે વાતુંના વડાં કરનારી અને ફાંકા-ફોજદારીના ફટાકડા ફોડનારી પાર્ટીઓ પાસે ભૂતની વાતો ન હોય તો કેવો બિહામણો સન્નાટો હોય ? દાદાઓ-દાદીમાંઓ અને ફિલ્મો-ટેલિવિઝનો પાસેથી પ્રાપ્ત થતી ઘોસ્ટ સ્ટોરીઓ સાંભળવા-જોવા ન મળે તો શું આપણા બાળકો નિર્ભયપણે ઊંઘી શકે ? શક્ય છે કે ઘોસ્ટ સ્ટોરી સાંભળ્યા વગર પરાણે-પરાણે પારણામાં પોઢેલો પનોતો પુત્ર પાયથાગોરસના પ્રમેયનું સપનું જોઈને ઝબકી ઊઠે; અને એને સુવાડવા માટે તમારે એને એકાદ ઘોસ્ટ સ્ટોરી સંભળાવવી પડે. ભૂત જેવું કંઈ ન હોય તો વિજ્ઞાનજાથા જેવી સંસ્થાઓના ‘ધંધાઓ’ ધમધમતા હોય ખરા? શું જયંત પંડ્યાને વિજ્ઞાન નામનું ભૂત નથી વળગેલું ?
શું આપણને સૌને કોઈને કોઈ એક ભૂત ઓછામાં ઓછું નથી વળગેલું ? કોઈને પત્ની નામનું ભૂત તો કોઈને પ્રેમિકા નામનું ભૂત. કોઈને ધર્મ નામનું ભૂત છોડતું નથી. તો કોઈને પૈસા નામનાં ભૂતનો વળગાડ છૂટતો નથી. કોઈને બોસ નામનું ભૂત ટીઝ કરે છે. તો કોઈને કર્મચારી નામનું ભૂત ફ્રીઝ કરે છે. કોઇનું તો ઘર જ આખું ભૂતભૂતામણું હોય છે. તો કોઈની જીન્સ પેન્ટના ખિસ્સામાં ભૂત થતું હોય છે. કોઈને વ્યસન નામનું ભૂત હેરાન કરતું હોય છે. તો કોઈ વિદ્યાર્થીને લેસન નામનું ભૂત રોજ રોજ પરેશાન કરતું હોય છે અને કોઈના માટે તો ક્યારેક સમય પોતે જ ભૂત બની જાય છે. તમે જાતજાતના અને ભાતભાતના ભૂતની દુકાન માંડી શકો છો !
રોચફોકોલ્ડ નામના એક વિચારકે કહ્યું છેઃ સાચા પ્રેમનું ભૂત જેવું હોય છે. બધા એના વિશે વાતો કરે છે, પણ બહુ ઓછાને તે જોવા મળે છે. કોઇ એક મહાન હસ્તીએ કહ્યું છે કે દિવસે હું ભૂતમાં નથી માનતો પણ રાત્રે બ્રાડ-માઇન્ડેડ હોઉં છું. ભૂતનો અર્થ થાય છે સ્પિરીટ અથવા સોલ. તેને અપેરેશન, ફેન્ટમ, રેવનન્ટ, શેડ, સ્પેક્ટર, સ્પૂક, સ્પ્રાઇટ, રેથ કે ઘોસ્ટ પણ કહેવામાં આવે છે. પણ… જરા સોચો… જગતમાં ભૂત જેવું જ કઈ ના હોય તો જિંદગી કેવી કંટાળાજનક બની જાય ? માણસને કોઈને કોઈ ભૂત જ ના મળે તો એની જિંદગી જ આખી કેવી ‘હોન્ટેડ’ બની જાય ! તમે ભૂતમાં માનો છો???? એવા સવાલ પૂછાય છે ત્યારે હું કહું છું કે મેં ભૂત ક્યારેય જોયું નથી પણ હજીય થયા કરે છે, ભૂત જેવું કંઇક હોય તો સારું. જો ઇશ્વર જેવું કંઇક હોય તો ઇશ્વરે ભૂત જેવું કંઇક પણ હોવાડવું જોઇએ…