ખાસ તો ઊંધા માટલાને કારણે જ એને ઊંધિયું કહેવાય છે.
– ભેળ ખાવી જોઈએ કે નહીં?
ભેળ શાની બનેલી છે એના આધારે એ ખવાય કે ન ખવાય એ નક્કી થાય. ટામેટા, કાંદા, મમરા, પૂરી, બાફેલા બટેટા, વટાણા, સેવ વગેરે ભેગા કરી કોથમીર, ફુદીનો અને આમલીની ચટણી વાળી ભેળ ખાવામાં કઈ નુકસાન નથી.
સફરજન, કાકડી, ફણગાવેલા કઠોળ, પાપડનો ચૂરો, કાજુ દ્રાક્ષ તથા ખજૂર કોકમની ચટણી વાળી ભેળ લીજ્જતદાર પણ બને અને પૌષ્ટિક પણ બને.
– ગુણકારી શરબતો ના નામ આપો.
લીંબુ, આમળા, કોકમ, ફાલસા, કેરી, વરીયાળી, ગુલાબ, ખસ, વાળો, ફુદીનો, ભીંડી, ધાણા, ખજૂર, કાળી દ્રાક્ષ, આમલી વગેરે શરબતો ગુણકારી છે.
– ચા બનાવવાની સાચી રીત કઈ કહેવાય?
કેટલાક લોકો ચાના પાણીમાં દૂધ નાખતા નથી અને લીંબુ નીચોવીને લીંબુની ચા પીવે છે.
કેટલાક દૂધ, ખાંડ કે અન્ય કશું જ નાખ્યા વગર માત્ર ચાનું પાણી જ પીવે છે.
કેટલાક લોકો ચા, ખાંડ, દૂધ, પાણી, આદું, ફૂદીનો બધું એક સાથે ભેગું કરીને ઉકળવા મૂકે છે. ઉકાળી ઉકાળીને ચા પાકી બનાવે છે. એને રગડો ચા, ચાનો કાઢો, ચાનો ઉકાળો અથવા ચાપાક કહી શકાય.
કેટલાક ચામાં ખાંડને બદલે ગોળ અથવા મધ નાખે છે,
કેટલાક ચામાં લીલી ચા નામે ઓળખાતું ઘાસ પણ નાખે છે આમ વિવિધ પ્રકારે ચા બનાવાય છે.
– કોફી કેફી પીણું ગણાય કે ન ગણાય?
કોફી કેફી પીણું ગણાય.
ભોજન કરતી વખતે સંગીત શા માટે સાંભળવું જોઈએ? કેવા પ્રકારનું સાંભળવું જોઈએ?
ભોજન કરતી વખતે સંગીત અવશ્ય સાંભળવું જોઈએ. તેનાથી મન શાંત અને પ્રસન્ન રહે છે. આ સંગીત શોક, ક્ષોભ, ગુસ્સો, ઘૃણા, ચંચળતા પેદા કરનારું, જોરશોરથી વાગતું ધમાલીયુ અને ઘોંઘાટિયું ન હોવું જોઈએ. શાંતરસયુક્ત ભક્તિસંગીત હોવું જોઈએ. ભારતીય શાસ્ત્રીય સંગીત હોવું જોઈએ. ધીમુ હોવું જોઈએ. લયબધ્ધ, તાલબધ્ધ, સુંદર મધુર સ્વરોવાળું અને સુંદર અર્થવાળું હોવું જોઈએ.
– મહેમાનને જમાડ્યા પછી દક્ષિણા શા માટે આપવામાં આવે છે?
મહેમાન એટલે અતિથિ. અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે. તે આદરણીય હોય છે. તેનો સત્કાર કરવા માટે દક્ષિણા આપવામાં આવે છે. દક્ષિણા હંમેશા દ્રવ્ય રૂપે જ હોય છે. કોઈપણ પ્રકારના દાનની સાથે દ્રવ્યરૂપી દક્ષિણા તો હોય જ છે.
– ભોજન કરવાની સાચી પદ્ધતિ કઈ?
યોગ્ય સમયે ભોજન કરવું,
ભૂખ લાગી હોય તો જ ભોજન કરવું,
– પેટ સાફ થયું હોય તો જ ભોજન કરવું,
સ્નાન કરીને અથવા બહારથી આવ્યા હોય તો હાથ પગ ધોઈને ચોખ્ખા કપડા પહેરીને જ ભોજન કરવું. આસન ઉપર અથવા પાટલા ઉપર પલાઠી વાળીને બેસીને ભોજન કરવું.
ભોજનના થાળને સામે ઊંચા પાટલા ઉપર સ્થાપન કરીને ભોજન કરવું.
ભગવાનને ધરાવીને, ગોગ્રાસ કાઢીને પ્રાર્થના કરીને ભોજન કરવું.
રસ લઈને, સ્વાદપૂર્વક ભોજન કરવું.
અભદ્ર અને અશિષ્ઠ વ્યવહાર ન કરતા શિષ્ટ અને સંસ્કારી આચારપૂર્વક ભોજન કરવું.
અકરાંતીયાની પેઠે ન ખાતા શાંતિથી ધીરજપૂર્વક, ચાવી ચાવીને ભોજન કરવું.
ભોજનના પદાર્થોને શાસ્ત્રનુસાર ક્રમ સાચવીને વચ્ચે વચ્ચે થોડુંક જ પાણી પીને ભોજન કરવું.
આજુબાજુ ઢોળ્યા વગર ભોજન કરવું.
થાળીમાં લીધેલું ભોજન પૂરું કરીને કશું જ ન છાંડતા ભોજન કરવું.
અંતે અન્નદાતા સુખી ભવ કહીને ભોજન પૂરું કરવું.
એ ભોજન કરવાની યોગ્ય રીત ગણાય આનાથી ઊલટું બધું અયોગ્ય ગણાય.
hemangidmehta@gmail.com