સ્વામિનારાયણ પંથના લોકો હિંગ પણ ખાતા નથી જ્યારે જૈન પંથના લોકો કંદમૂળ ખાતા નથી તેનું શું કારણ?
હિંગની વાસ ઉગ્ર હોવાથી તે મનોવિકાર માટે કારણભૂત બને છે એવી સ્વામિનારાયણ પંથની માન્યતા છે જ્યારે જૈન પંથ આત્યંતિક અહિંસામાં માને છે અને કંદમૂળ ખાવાથી અવગણિત જીવોની હિંસા થાય છે એ માને છે તેથી તેઓ એનો ત્યાગ કરે છે.
માંસાહાર શા માટે ન કરવો જોઈએ? પ્રકૃતિએ દરેક જીવને ઉત્પન્ન કરતી વખતે તેનો આહાર નક્કી કરેલો હોય છે અને એને સુલભ પણ બનાવેલો હોય છે. એ જીવની શરીર રચના પણ એને માટે નિયત કરેલા આહારના પાચન માટે અનુકૂળ બનાવેલી છે. મનુષ્યના શરીરનું બંધારણ મનુષ્ય પાસેથી કરાવવા ધારેલા કામો અને એને માટે પ્રકૃતિએ નિર્ધારિત કરેલો આહાર માંસાહાર નથી માટે મનુષ્યે માંસાહાર ન કરવો જોઈએ.
કેટલાક લોકો માંસાહારને હિંસક અને તામસી ગણે છે. યુરોપ, અમેરિકા, આફ્રિકા ખંડના લોકો માંસાહાર કરે છે. ચીનમાં અને ભારતમાં પણ લોકો માંસાહાર કરે છે. શું એ બધા હિંસક અને તામસી ગણાય?
આ અને આવા પ્રકારના પ્રશ્નોનો ઉત્તર જરા અટપટો થઈ પડે એમ છે. સામાન્ય રીતે માંસાહાર કરનારને કોઈ હિંસક અને તામસી કહે એ ગમતું નથી પરંતુ આહારનો સ્વભાવ ઉપર પ્રભાવ તો પડે જ છે એ વાત તો બધા જ શાસ્ત્રો કહે છે. જ્યારે કોઈ દેશ કે પ્રદેશના કોઈ સમાજ કે પરિવારના બધા જ લોકો પેઢીઓથી માંસાહાર કરતા હોય ત્યારે તેમની હિંસા, ક્રોધ, કામ, તમસ એ વિશિષ્ટ રીતે જુદા તરી આવે એ પ્રમાણે દેખાતા નથી પરંતુ એ સમાજના, એ દેશની પ્રજાના સ્વભાવમાં, વિચારસરણીમાં, એની બધી રચનાઓમાં અને વ્યક્તિગત અને જાહેર વ્યવસ્થાઓમાં દેખાય છે. સત્વ, રજ અને તમો ગુણના આપણા બહુ જ સામાન્ય ખ્યાલોના માપે માપવાથી આ બાબતો સાબિત થઈ શકતી નથી પરંતુ એના દુષ્ટ પરિણામ માત્ર વ્યક્તિને પોતાને જ નહીં, આખા દેશને અથવા આખી દુનિયાને ભોગવવા પડે છે.
સાંભળ્યું છે કે પુરીના જગન્નાથ મંદિરમાં ટામેટા વપરાતા નથી એનું કારણ?
ભારતની ભૂમિમાં જ જેનું મૂળ છે, જે વિદેશથી આયાત કરેલી નથી એવી જ વસ્તુ જગન્નાથ મંદિરમાં ભોજન બનાવવા માટે વપરાય છે. ટામેટા મૂળ ભારતીય શાક નથી એમ મનાય છે તેથી જગન્નાથ મંદિરમાં પ્રસાદમાં વપરાતા નથી.
ફળ ખાવાની સાચી રીત કઈ?
ફળ પ્રથમ ધોઈને કોરા કરવા જોઈએ એ પછી જે ફળની છાલ ખાઈ શકાતી નથી તેમની છાલ ઉતારવી જોઈએ.
આટલી બે પ્રક્રિયા સિવાય બીજી કોઈ પ્રક્રિયાની ફળ ખાવામાં જરૂર પડતી નથી.
છાલ ઉતારેલા ફળ તરત જ ખાવા જોઈએ. તેમને હવાનો સ્પર્શ જેટલો ઓછો થાય એટલું સારું, તેથી સમારવાની પણ જરૂર પડે નહીં, સમાર્યા વગર સીધા ખાવા જોઈએ જો સમારીને રાખવા જ પડે એમ હોય તો લીંબુ, મીઠું વગેરેનું કોઈને કોઈ પ્રકારનું આવરણ તેના ઉપર ચઢે એ જોવું જોઈએ, જેથી એ હવાના સીધા સ્પર્શથી બચે.
કેરીને સીધી ચૂસીને ખાવી જોઈએ. ફળ કઈ રીતે ન ખાવા જોઈએ એ જાણવું વધુ જરૂરી છે. ફળ રાંધીને ન ખાવા જોઈએ.
ફળ ગરમ કરીને પણ ન ખાવા જોઈએ. ફ્રીજમાં ન મૂકવા જોઈએ.
કૃત્રિમ રીતે પકવેલા ન ખાવા જોઈએ. રસાયણ યુક્ત ફળ ન ખાવા જોઈએ. મિક્સરમાં નાખીને દૂધ સાથે કે પાણી સાથે મેળવીને રસ બનાવ્યો હોય તેવા ન ખાવા જોઈએ. દહીં નાખીને રાયતું બનાવીને ખાઈ શકાય.
કેરી, શેરડી, અનાનસ જેવા ફળનો રસ કાઢીને, તેને રાખી મૂકીને ન પીવો જોઈએ. ફળ જમ્યા પછી ન ખાવા જોઈએ. ફળ ભૂખ શમાવે છે તેથી અન્નને બદલે ખાઈ શકાય. એ કંઈ પાન કે વરીયાળીની જેમ પાચક નથી. એ આહાર જ છે તેથી આહારની જેમ જ ખાવા જોઈએ. કુદરતી રીતે પાકેલા ફળ શ્રેષ્ઠ ગણાય. અધૂરા પાકેલા કૃત્રિમ રીતે પકવેલા, વધુ પડતા પાકેલા ફળ ન ખાવા જોઈએ. hemangidmehta@gmail.com