કેન્દ્રીય મંત્રીમંડળે આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે કેબિનેટે માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે કાચા શણના એમએસપી રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વીન્ટલને મંજૂરી આપી છે.
મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં મિશનએ ઐતિહાસિક લક્ષ્યો હાંસલ કર્યા છે. ગોયલે માહિતી આપી હતી કે ૨૦૨૧ થી ૨૦૨૨ દરમિયાન લગભગ ૧૨ લાખ આરોગ્ય કર્મચારીઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં જોડાયા હતા અને ભારતે આ મિશન હેઠળ કોવિડ-૧૯ રોગચાળા સામે લડત આપી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે કાચા શણ માટે પ્રતિ ક્વીન્ટલ રૂ. ૫,૬૫૦ ના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી, જે અગાઉના એમએસપી કરતા છ ટકા અથવા રૂ. ૩૧૫ નો વધારો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ માહિતી આપી.
મંત્રીએ જણાવ્યું હતું કે નવી એમએસપી અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં ૬૬.૮ ટકાનો નફો સુનિશ્ચિત કરે છે અને ઉત્પાદકોને લાભ કરશે. સરકારે કાચા શણના એમએસપી ૨૦૧૪-૧૫માં પ્રતિ ક્વીન્ટલ રૂ. ૨,૪૦૦ થી વધારીને ૨૦૨૫-૨૬ માર્કેટિંગ સીઝન માટે પ્રતિ ક્વીન્ટલ રૂ. ૫,૬૫૦ કર્યા છે, જે ૨.૩૫ ગણો વધારો દર્શાવે છે.