મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. રાજ્યમાં બદમાશોએ બિહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યાની આ ઘટના કાકચિંગ જિલ્લામાંથી જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બંને પરપ્રાંતિય મજૂરો કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. જીવ લેનારા હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે લગભગ ૫.૨૦ વાગ્યે બની હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મજૂરો કાકચિંગ જિલ્લાના કેરકમાં બાંધકામનું કામ કરીને પરત ફરી રહ્યા હતા. આ અંગે કાકચિંગ પોલીસે જણાવ્યું કે આ ઘટના પંચાયત ઓફિસની નજીક બની હતી અને બંને મૃતકોની ઓળખ મોહન સાનીના પુત્ર સુનાલાલ કુમાર (૧૮) અને દશરથ કુમાર (૧૭) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે, જે યાદવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને મજૂરો સાયકલ પર તેમના ભાડાના મકાનમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક બંદૂકધારીઓએ બંનેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં બંને પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સ્થાનિક જીવન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડાક્ટરોએ બંને મજૂરોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં ગયા વર્ષે ૩ મેથી હિંસક ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓ ત્યારે શરૂ થઈ જ્યારે કુકી સમુદાય દ્વારા ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢવામાં આવી રહી હતી. મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જા આપવાની માંગને લઈને માર્ચ કાઢવામાં આવી રહી હતી અને તે દરમિયાન કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે હિંસા અને તણાવ શરૂ થયો હતો જે હજુ પણ રાજ્યમાં ચાલુ છે.