કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને મતગણતરી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની પણ માંગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મતદારોને “મનસ્વી રીતે મતદાર યાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૧૦,૦૦૦ થી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા હતા.” પાર્ટીએ એમ પણ કહ્યું કે, “પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા મહારાષ્ટ્રના મતદારોના ડેટા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.”
કોંગ્રેસે તેના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે “મનસ્વી રીતે કાઢી નાખવા અને ઉમેરવાની આ પ્રક્રિયાને કારણે, મહારાષ્ટ્રમાં જુલાઈ ૨૦૨૪ થી નવેમ્બર ૨૦૨૪ વચ્ચે લગભગ ૪૭ લાખ નવા મતદારોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.” પાર્ટીએ દાવો કર્યો હતો કે “૫૦ વિધાનસભા મતવિસ્તારોમાંથી જ્યાં સરેરાશ ૫૦,૦૦૦ નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા, શાસક ગઠબંધન અને તેના સહયોગીઓએ ૪૭ બેઠકો જીતી હતી.”
કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે ૨૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી, મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ૫૮.૨૨% હતી, જે ૧૧ઃ૩૦ વાગ્યા સુધીમાં વધીને ૬૫.૦૨% થઈ ગઈ. વધુમાં, અંતિમ
અહેવાલમાં ૬૬.૦૫% મતદાન નોંધાયું હતું, જેની જાહેરાત મત ગણતરી શરૂ થયાના કેટલાક કલાકો પહેલા કરવામાં આવી હતી. પત્ર અનુસાર, માત્ર એક કલાકમાં એટલે કે સાંજે ૫ થી ૬ વાગ્યાની વચ્ચે અંદાજે ૭૬ લાખ મત પડ્યા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને બેલેટ પેપરના ઉપયોગની માંગ કરી. તેમણે કહ્યું, “અમને ઈવીએમ નથી જોઈતા, અમને બેલેટ પેપર જોઈએ છે.” નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને ૨૮૮માંથી ૨૩૦ બેઠકો જીતી હતી. ભાજપને ૧૩૨, શિવસેનાને ૫૭ અને એનસીપીને ૪૧ બેઠકો મળી છે. તે જ સમયે, મહા વિકાસ આઘાડીને કુલ ૪૬ બેઠકો મળી હતી, જેમાંથી કોંગ્રેસનો હિસ્સો માત્ર ૧૬ બેઠકો હતો.