સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો છે. જોકે, મતદાર યાદીમાં કથિત હેરાફેરી અને લોકસભા બેઠકોના સીમાંકનના મુદ્દા પર વિપક્ષી પક્ષોએ રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. આ ઉપરાંત, મુલતવી નિયમો હેઠળ આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ અધ્યક્ષ દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ, તેઓ ઉપલા ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા. કાર્યવાહી શરૂ થતાં જ, ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે તેમને નિયમ ૨૬૭ હેઠળ મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબરનું ડુપ્લીકેશન, સીમાંકન, ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે અમેરિકા તરફથી ભંડોળ સહિતના કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચા માટે ૧૨ નોટિસ મળી છે. તેમણે બધી નોટિસ ફગાવી દીધી.
આ પછી, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી સભ્યો બેઠકની નજીક આવ્યા અને હંગામો શરૂ કર્યો. દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ના સભ્યો સ્પીકરની ખુરશી પાસે આવ્યા અને દક્ષિણ રાજ્યો પર લોકસભા બેઠકોના સીમાંકનની અસરના મુદ્દા પર હોબાળો મચાવી રહ્યા હતા. ઉપસભાપતિ હરિવંશે વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેને પોતાના વિચારો રજૂ કરવાની મંજૂરી આપી. ખડગેએ બોલવાનું શરૂ કર્યું હતું ત્યારે હરિવંશે કહ્યું કે તેઓ નકારી કાઢવામાં આવેલી નોટિસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકતા નથી. આ પછી, વિપક્ષી સાંસદોએ થોડા સમય માટે વિરોધ કર્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આમાં ઇપીઆઇસીના મુદ્દા પર સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની શક્્યતા છે. વિપક્ષ મતદાર યાદીમાં કથિત છેડછાડ, મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વ્યવહાર કરવામાં ભારતનું વલણ જેવા મુદ્દાઓ ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે. સરકારનું ધ્યાન ગ્રાન્ટ માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા તેમજ બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.
ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો કે પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોના મતદારોને મતદાન કરવાની મંજૂરી આપવા માટે મતદાર યાદીઓમાં છેડછાડ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કેટલાક મતદારોના મતદાર ઓળખ નંબર “સમાન હોઈ શકે છે”, પરંતુ વસ્તી વિષયક માહિતી, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક જેવી અન્ય વિગતો અલગ હોઈ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સોમવારે ચૂંટણી પંચના અધિકારીઓને મળશે. તેમણે બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન સંસદના બંને ગૃહોમાં આ મુદ્દો ઉઠાવવા માટે કોંગ્રેસ, ડીએમકે, શિવસેના (યુબીટી) સહિત અન્ય વિપક્ષી પક્ષોને પણ એક કર્યા છે. તે જ સમયે, વકફ સુધારા બિલને જલ્દી પસાર કરવું સરકારની પ્રાથમિકતા છે. વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે સંસદની સંયુક્ત સમિતિએ લોકસભામાં બિલ પર પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.
સંસદના બજેટ સત્રનો બીજા ભાગ શરૂ થઈ ગયો છે. અને અપેક્ષા મુજબ, સોમવારે ભારે હોબાળો થયો. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે કેન્દ્રીય મંત્રીને તેમના ભાષણમાંથી એક શબ્દ પાછો ખેંચવો પડ્યો અને લોકસભા અધ્યક્ષે તેને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ પણ આપ્યો. ખરેખર, ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ડીએમકે સાંસદ ટી સુમતિના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.સુમતિએ આરોપ લગાવ્યો હતો કે પીએમ શ્રી યોજના હેઠળ તમિલનાડુને ફાળવવામાં આવનાર રૂ. ૨,૦૦૦ કરોડના કેન્દ્રીય ભંડોળને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સ્વીકાર ન થવાને કારણે અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જવાબમાં, શિક્ષણ મંત્રી પ્રધાને ડીએમકે પર તમિલનાડુમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. ડીએમકે સભ્યોએ મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો અને હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સવારે ૧૧.૩૦ વાગ્યે બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.બપોરે ૧૨ વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ડીએમકે સાંસદ કનિમોઝીને તેમના વિચારો રજૂ કરવા કહ્યું. કનિમોઝીએ કહ્યું કે તેમને દુઃખ છે કે કેન્દ્રીય મંત્રીએ તમિલનાડુના સાંસદો, ત્યાંની સરકાર અને રાજ્યના લોકો વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે ત્રણ ભાષા નીતિ તમિલનાડુને સ્વીકાર્ય નથી.
પ્રધાને કહ્યું, ‘મારી પ્રિય બહેને જે કહ્યું છે તેના સંદર્ભમાં, હું કહેવા માંગુ છું કે જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું આ શબ્દો પાછા લઉં છું.’ આ પછી બિરલાએ કહ્યું, ‘મેં આ શબ્દ રેકોર્ડમાંથી કાઢી નાખ્યો છે.’ બાદમાં ડીએમકેના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા.લોકસભામાં બોલતી વખતે, કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી કે ‘દેશભરમાં મતદાર યાદી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બધા જ વિપક્ષી પક્ષો મતદાર યાદી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હવે આખો વિપક્ષ ફક્ત એટલું જ કહી રહ્યો છે કે મતદાર યાદી પર ચર્ચા થવી જોઈએ.
રાહુલ ગાંધીએ આ બાબતે કહ્યું, ‘સરકાર મતદાર યાદી તૈયાર કરતી નથી તેવી તમારી ટિપ્પણી અમે સ્વીકારીએ છીએ.’ પરંતુ અમે આ મુદ્દા પર ચર્ચાની માંગ કરીએ છીએ. તેમણે કહ્યું, ‘દેશભરમાં મતદાર યાદી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્યમાં, વિપક્ષે એક સ્વરમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું, ‘ચૂંટણી પંચ સરકારના હાથમાં છે… જો લોકશાહી આ રીતે ચાલુ રહેશે અને ચૂંટણી પંચ સરકાર માટે લોબિંગ કરશે, તો જે પરિણામો આવશે તે તમારી સામે છે… જો આ વ્યવસ્થા ચાલુ રહેશે, તો આ લોકશાહી નથી પણ એક દગાબાજી છે… આપણે ઘણા વર્ષોથી શંકાશીલ છીએ… બધા જાણે છે કે જમીન પર શું થાય છે પણ સાંભળનાર કોઈ નથી’.મણિપુરમાં તાજી હિંસા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાની ધમકી, સંસદીય મતવિસ્તારોના સીમાંકન પર રાજકીય હોબાળો જેવા મુદ્દાઓ પણ સંસદમાં ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે. સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો, જ્યારે બીજા તબક્કો ૧૦ માર્ચથી શરૂ થશે અને ૪ એપ્રિલ સુધી ચાલશે.