દક્ષિણ અને મધ્યપશ્ચિમ અમેરિકામાં હવામાનના પ્રકોપે ભારે તબાહી મચાવી છે. ટેક્સાસથી ઓહિયો સુધી પૂરની સ્થિતિ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાવાઝોડા અને ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે.મુશળધાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવામાનશાસ્ત્રાઓએ ચેતવણી આપી છે કે કેટલીક જગ્યાએ નદીઓના જળસ્તરમાં ઘણા દિવસો સુધી વધારો ચાલુ રહેશે.
રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર, મધ્ય અમેરિકામાં દિવસેને દિવસે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ટેક્સાસથી ઓહિયો સુધી પૂરના કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યોમાં ઘણી જગ્યાએ ભારે પૂરની શક્્યતા છે. જે માળખાં, રસ્તાઓ, પુલો અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને અસર કરી શકે છે.
વાવાઝોડાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. આમાં, ટેનેસીમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા. કેન્ટુકીમાં પૂરના કારણે બે લોકો માર્યા ગયા. શનિવારે નેલ્સન કાઉન્ટીમાં શાળાએ જતી વખતે ૯ વર્ષનો એક છોકરો પાણીમાં તણાઈ ગયો હતો અને ૭૪ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ ડૂબી ગયેલા વાહનની અંદરથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર,અરકાનસાસના લિટલ રોકમાં એક ઘરમાં ૫ વર્ષના છોકરાનું મૃત્યુ થયું. અઠવાડિયાની શરૂઆતમાં આવેલા વાવાઝોડાએ સમગ્ર વિસ્તારનો નાશ કર્યો હતો. ત્યારે સાત લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, હવામાનને કારણે આંતરરાજ્ય વાણિજ્યને અસર થઈ છે. લુઇસવિલે, કેન્ટુકી અને મેમ્ફિસમાં મુખ્ય કાર્ગો હબ ધરાવતા કોરિડોરમાં પૂરને કારણે શિપિંગ અને સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.
લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે ઓહિયો નદી ૨૪ કલાકમાં ૫ ફૂટ (લગભગ ૧.૫ મીટર) વધી છે. આ ઘણા દિવસો સુધી વધતું રહેશે. અમને અપેક્ષા છે કે આ લુઇસવિલેના ઇતિહાસમાં ટોચની ૧૦ સૌથી મોટી પૂરની ઘટનાઓમાંની એક હશે.