મનુ ભાકર માટે વર્ષ ૨૦૨૪ અત્યાર સુધીનું સૌથી અદ્ભુત વર્ષ રહ્યું છે જેમાં તેણે ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાયેલી ઓલમ્પિક ગેમ્સમાં ૨ અલગ-અલગ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. એક જ ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ દેશની પ્રથમ મહિલા એથ્લેટ પણ બની હતી. હવે એક નવો વિવાદ પણ જાવા મળી રહ્યો છે, જેમાં આ વર્ષે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એથ્લેટ્સમાં મનુનું નામ સામેલ નથી. જ્યાં ૩૦ લોકોની શોર્ટલિસ્ટમાં મનુનું નામ ન હોવાથી તે નિરાશ છે, તો બીજી તરફ તેના પિતા રામ કિશનનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે, તેમને તેમની પુત્રીને શૂટિંગમાં મૂકવાનો અફસોસ છે તેને ક્રિકેટમાં મૂકો.
જ્યારે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાંથી મનુ ભાકરનું નામ ગાયબ હતું ત્યારે તેના પિતા રામ કિશને પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે આ મારી ભૂલ છે કે હું મનુને આ રમત તરફ લઈ ગયો. હું દેશના તમામ માતા-પિતાને કહેવા માંગુ છું કે તેઓ પોતાના બાળકોને રમતગમતમાં ન ધકેલશો પરંતુ પૈસા જાઈતા હોય તો તેમને ક્રિકેટમાં ધકેલી દો નહીંતર તમારા બાળકોને આઇએએસ કે પીસીએસ બનાવો. અમે વર્ષ ૨૦૩૬માં યોજાનારી ઓલમ્પિક ગેમ્સની યજમાનીની વાત કરી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ તમે તમારા જ ખેલાડીઓના આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છો. મને લાગે છે કે તમામ માતા-પિતાએ તેમના બાળકોને આઇએએસ અથવા પીસીએસ બનાવવા જાઈએ જેથી તેઓના હાથમાં તે નક્કી કરવાની સત્તા હોય કે કોને ખેલ રત્ન એવોર્ડ મળવો જાઈએ.
મનુ ભાકરના કોચ જસપાલ રાણાએ પણ આ સમગ્ર મામલે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રમતગમત મંત્રાલયની આકરી ટીકા કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે મને લાગે છે કે આ બધા દોષિત છે. છેવટે, તમે કેવી રીતે કહી શકો કે મનુએ અરજી કરી નથી? એક જ ઓલમ્પિકમાં બે મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા શૂટર છે. તેનું નામ પહેલેથી જ આપોઆપ યાદીમાં હોવું જાઈએ. આવી વસ્તુઓ તમને આગળ વધતા રોકે છે.