બોલીવુડના દિગ્ગજ ફિલ્મ અભિનેતા મનોજકુમારનું આજે નિધન થયું છે. તેઓ ૮૭ વર્ષના હતા. મનોજકુમાર બોલીવુડ ફિલ્મોમાં દેશભક્તિની અલખ જગાડવા માટે જાણીતા હતા. પછી તો એવું થયું તેઓ તેમની ફિલ્મોના કારણે તેમને ભારતકુમાર તરીકે ઓળખાવા લાગ્યા. બીજી બાજુ તેઓ ભારત સરકાર સામે ભીડવામાં પણ પાછળ રહ્યા નહતા. તેમના જીવનનો આ કિસ્સો જાણવા જેવો છે. જે દર્શાવે છે કે તેઓ એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે બહાદુર અને દિલેર વ્યક્તિ પણ હતા.
મનોજકુમાર વિશે કહેવાય છે કે તેઓ એકમાત્ર એવા કલાકાર છે જેમણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને જીત્યો પણ ખરા. આ કેસ છે ઈમરજન્સી સમયનો. જ્યારે ૧૯૭૫માં ઈન્દિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી લાગૂ કરી હતી ત્યારે મનોજકુમારે તેનો વિરોધ કર્યો હતો. તેનાથી સરકાર નારાજ થઈ હતી. સ્થિતિ એ હતી કે તે સમયે સરકાર એવા કલાકારોની ફિલ્મો રિલીઝ થતા જ બેન કરતી હતી જે કટોકટીનો વિરોધ કરતા હતા.
આ જ કડીમાં સરકારે મનોજકુમારની ફિલ્મ દસ નંબરીને સૂચના અને પ્રસારણ મંત્રાલયે બેન કરી દીધી. ત્યારબાદ તેમની બીજી ફિલ્મ શોર સાથે પણ એવું કર્યું. એટલું જ નહીં શોર તો રિલીઝ થતા પહેલા જ દુરદર્શન પર દેખાડી દીધી જેનાથી તે સિનેમાઘરો સુધી પહોંચી અને ફિલ્મને ભારે નુકસાન થયું. નારાજ અભિનેતાએ ઈન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને કમાલની વાત એ છે કે તેઓ આ કેસ જીતી પણ ગયા. તેનાથી સરકારને પણ મોટો સંદેશ ગયો.
કેસ હાર્યા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમને ઈમરજન્સી પર ફિલ્મ બનાવવાની ઓફર કરી. મંત્રાલયે મનોજકુમારને મનાવવાની ખુબ કોશિશ કરી પરંતુ મનોજકુમાર માન્યા નહીં અને ઓપર ફગાવી દીધી. એટલું જ નહીં આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખવા બદલ જાણીતા લેખિકા અમૃતા પ્રીતમને ફટકાર પણ લગાવી.