મનોહરલાલ ખટ્ટર ભાજપના નવા અધ્યક્ષ બની શકે છે, જાન્યુઆરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાનું સ્થાન લઈ શકે છે. તે સિવાય સંજય જોશી પણ સંગઠનના રાષ્ટ્રીય માળખામાં પરત ફરે એવી ચર્ચા થઈ રહી છે.મનોહરલાલ ખટ્ટર ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને આરએસએસના ભૂતપૂર્વ પ્રચારક છે. તેમણે હરિયાણા વિધાનસભામાં કરનાલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૦૧૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ મનોહરલાલ ખટ્ટરે પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ૨૦૧૯ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને ખટ્ટરે બીજી વખત ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
રાજ્યોમાં અધ્યક્ષ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અડધાથી વધુ રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે મંગળવારે ભાજપના સભ્યપદ અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા છે અને હવે સક્રિય સભ્યો બનાવવાનો ત્રીજા તબક્કો બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે.બૂથ સમિતિઓની રચના ક્યારે થશે? સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ બૂથ સમિતિઓની રચના કરવામાં આવશે. આ પછી જિલ્લા પ્રમુખો અને પછી પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થશે. ભાજપના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખો રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી કરશે, જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
જાન્યુઆરીમાં ચૂંટણી થઈ શકે છે એવું માનવામાં આવે છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થશે. જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવાં ચાર રાજ્યોની ચૂંટણીમાં સભ્યપદ અભિયાન પછીથી શરૂ થશે, જેના કારણે અહીં સંગઠનાત્મક ચૂંટણી પણ મોડી શરૂ થશે. આ ચાર રાજ્યને બાદ કરતાં ભાજપે ૧૦ કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું અને ૨૫ સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કામાં છ કરોડ સભ્યો બનાવવામાં સફળ રહી હતી.ખટ્ટરનો જન્મ ૫ મે ૧૯૫૪ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના મેહમ તાલુકાના નિંદાના ગામમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. ૧૯૪૭માં ભારતના ભાગલા પછી તેમના પિતા હરબંસ લાલ ખટ્ટર પશ્ચિમ પંજાબના ઝાંગ જિલ્લામાંથી આવ્યા અને અહીં સ્થાયી થયા હતા. ખટ્ટરે મેટ્રિક સુધીનો અભ્યાસ રોહતકની પંડિત નેકી રામ શર્મા સરકારી કોલેજમાંથી કર્યો હતો. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરતી વખતે સદર બજાર પાસે એક દુકાન ચલાવતા હતા.
આ સમય દરમિયાન ખટ્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જાડાયા અને ત્રણ વર્ષ પછી પૂર્ણ-સમયના પ્રચારક બન્યા. પ્રચારક તરીકે તેઓ આજીવન અવિવાહિત છે. ૧૯૯૪માં ભાજપમાં જાડાતાં પહેલાં તેમણે ૧૪ વર્ષ સુધી ફુલટાઈમ પ્રચારક તરીકે કામ કર્યું હતું.૨૦૦૦-૨૦૧૪ દરમિયાન ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. તેઓ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપની હરિયાણા ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ હતા. આ પછી તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. ૨૦૧૪ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ખટ્ટરે ભાજપની ટિકિટ પર કરનાલ મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. હરિયાણામાં ભાજપને પહેલીવાર બહુમતી મળી અને ખટ્ટર હરિયાણાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૯ની હરિયાણા વિધાનસભા ચૂંટણી પછી ખટ્ટરે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
મોદી ખટ્ટરને કેન્દ્રમાં લાવવા આતુર હરિયાણાની વિધાનસભા ચૂંટણી પહેલાં અચાનક જ મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મનોહર લાલ ખટ્ટરને હટાવવા પાછળ ત્રણ કારણો હોવાનું ચર્ચાતું હતું. જેમાં એન્ટી ઇન્કમબન્સી, જાટોની નારાજગી અને મોદી તેમને કેન્દ્રમાં લઈ જવા આતુર હોવાનું માનવામાં આવતું હતું. મનોહરલાલ ખટ્ટરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની નિકટતા પણ આ બદલાવનું મુખ્ય કારણ હતું. હવે કેન્દ્રીય નેતૃત્વ મનોહર લાલને કેન્દ્રમાં મોટી જવાબદારી આપવાનું વિચારી રહ્યું છે.મોદીને બાઇક પર બેસાડીને ફરતા હતા ખટ્ટર ૧૯૯૬માં નરેન્દ્ર મોદીને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત ખટ્ટર સાથે થઇ હતી. ૧૧ માર્ચ, ૨૦૨૪એ મોદીએ એક સભામાં કહ્યું હતું કે જ્યારે તેઓ હરિયાણાના પ્રભારી હતા, ત્યારે તેઓ મનોહરલાલ ખટ્ટરની બાઇક પાછળ બેસીને ફરતા હતા. ૨૦૦૨માં મનોહરને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બનાવવામાં
આવ્યા હતા. એ વર્ષે ગુજરાતમાં પણ ચૂંટણી થવાની હતી. ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બની ગયા હતા. તેમણે કચ્છ જિલ્લામાં ચૂંટણી મેનેજમેન્ટ માટે મનોહરને બોલાવ્યા હતા. હકીકતમાં, ૨૦૦૧ના ભૂકંપ પછી કરવામાં આવેલા રાહત કાર્યોને કારણે વિસ્તારના લોકોમાં અસંતોષ અને ગુસ્સો હતો, પરંતુ મનોહરના ચૂંટણી મેનેજમેન્ટના કારણે ભાજપે ૬માંથી ૩ બેઠકો જીતી લીધી હતી. આ જીત પર મોદીએ કહ્યું હતું કે આ સીટો અમારા માટે બોનસ છે. ૨૦૦૪માં મનોહરને દિલ્હી અને રાજસ્થાન સહિત લગભગ ૧૨ રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.