મલેશિયામાં લગભગ ૧૩૦ વર્ષ જૂના મંદિરનું અસ્તીત્વ જોખમમાં હોવાનું જણાય છે. રાજધાની કુઆલાલંપુરના આ ઐતિહાસિક મંદિરને તોડીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની યોજના ઝડપથી ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે જમીન પર આ મંદિર બનેલ છે તે જમીન એક ટેક્સટાઈલ કંપનીએ ખરીદી છે અને આ કંપની અહીં મસ્જીદ બનાવવા માંગે છે. જેનું ટૂંક સમયમાં વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
આ ૧૩૦ વર્ષ જૂનું મંદિર દેવી શ્રી પાત્ર કાલિયમ્માનું છે અને ઘણી જાતિના ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિર પહેલા સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું, પરંતુ ૨૦૧૪માં આ જમીન ટેક્સટાઈલ કંપની જેકલને વેચી દેવામાં આવી હતી. આ કંપનીના સ્થાપક સ્વર્ગસ્થ મોહમ્મદ જકીલ અહેમદે આ જમીન મસ્જીદ બનાવવા અને મુસ્લીમ સમુદાયને ભેટ
આપવાના હેતુથી ખરીદી હતી.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જેકલ કંપની મંદિર સમિતિ સાથે સતત વાત કરી રહી હતી અને મંદિરને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો ખર્ચ ઉઠાવવાની ઓફર પણ કરી હતી. ૨૦૨૧ માં, કંપનીને આ સ્થાન પર મસ્જીદ બનાવવાની મંજૂરી મળી હતી, પરંતુ મંદિરનું સ્થળાંતર ન થાય ત્યાં સુધી મસ્જીદ બનાવવાનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. જા કે, હવે સમાચાર આવી રહ્યા છે કે વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ ૨૭ માર્ચ, ગુરુવારે આ નવી મસ્જીદનો શિલાન્યાસ કરશે.
આ કિસ્સો મલેશિયામાં ધાર્મિક સમાનતા અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાને ફરીથી ઉજાગર કરી રહ્યો છે. આ ઉપરાંત હિન્દુ મંદિર હટાવીને મસ્જીદ બનાવવાની યોજનાને લઈને લોકોમાં રોષની સાથે સાથે નારાજગી પણ છે. ‘લાયર્સ ફોર લિબર્ટી’ સંસ્થાના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર ઝૈદ મલિકે આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મંદિર, જેકલ અને નગરપાલિકા વચ્ચે હજુ વાતચીત ચાલી રહી છે તો પછી આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે? તેમણે વડાપ્રધાન અનવર પર મંદિરને હટાવવાની ઉતાવળમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ વિવાદને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા ચાલી રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે મસ્જીદ અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવે જેથી ધાર્મિક સંઘર્ષ ટાળી શકાય. વડાપ્રધાન અનવરે કહ્યું કે મંદિરને શિફ્ટ કર્યા પછી જ મસ્જીદ બનાવવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે મંદિરને કાયદાકીય રીતે માન્યતા નથી, પરંતુ નવી જમીન આપવામાં આવશે અને ધાર્મિક સંવાદિતા જાળવવા માટે મદદ પણ આપવામાં આવશે.