પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મહાકુંભમાં ન્હાવા માટે આવી રહ્યા છે. કરોડો ભક્તોના અપેક્ષિત આગમનને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભમાં આગ લાગી હતી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ અંગે પોલીસે કડક ચેતવણી આપી છે.
એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ‘મહાકુંભ મેળા વિસ્તારની હોસ્પિટલમાં મોટી આગ’. વીડિયો પર એવું પણ લખવામાં આવ્યું છે કે આઠ લોકો ઘાયલ થયા છે. આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે. જો કે, આ વીડિયો નકલી છે અને મહાકુંભ પ્રશાસને કહ્યું છે કે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.
વીડિયોના જવાબમાં મહાકુંભ પ્રશાસને લખ્યું છે કે આ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી મોક ડ્રિલનો વીડિયો છે. ભ્રામક તથ્યોના આધારે અફવાઓ ફેલાવવા બદલ તમારી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી રહી છે. આ સાથે મહાકુંભના ડીઆઈજીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ વીડિયો પર લખ્યું છે કે આ બિલકુલ ખોટી માહિતી છે. તમે અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છો. તમે જે વિડીયો બતાવી રહ્યા છો તે કુંભ મેળા પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા હાથ ધરવામાં આવેલ અમારી ફાયર મોક ડ્રીલનો છે. જો તમે કોઈપણ વણચકાસાયેલ માહિતી પ્રસારિત કરશો તો તમારી સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ છે, પોલીસકર્મીઓ પણ હાજર છે. પોલીસકર્મીઓ દોડતા જોવા મળે છે અને સર્વત્ર ધુમાડો ફેલાયો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરતા જાવા મળી રહ્યા છે, આ જ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાકુંભમાં આગ લાગી હતી, આઠ લોકો ઘાયલ થયા છે.