જે મહાપુરુષોને લખવાનો મહાવરો અને અભ્યાસ હોય એ પોતાના જીવનકાળના સમકાલીન તથ્યો લખતા જતા હોય છે. એમની જે તે સમયની માન્યતા, અભિપ્રાય, મતિ અને આસપાસની આબોહવા આધારે સ્થિતિવર્ણન કરી જાય છે. પોતે જે દ્રષ્ટિથી ભૂતકાળનું વર્ણન, વર્તમાનનું આકલન અને ભવિષ્ય માટે આગાહી કરી જાય છે, એ એમનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. આવનારો સમય અને માણસ એનું વિવેચન કરવાનો છે એ પોતે જાણતા હોય છે. એ લખી જવાની પોતાની પુણ્યફરજના ભાગરૂપે આવનારી પેઢી માટે વારસો શું હતો એ કહી જતા હોય છે. કહેવાય છે કે ઈતિહાસ વિજેતાના દ્રષ્ટિકોણથી લખાય છે, પણ એ એવો ઈતિહાસ હોય છે જેમાં ઘટનાનું ઘટન થઇ ચુક્યું હોય છે, દરબારી લહિયાઓ સિંહાસનના છાંયે બેસીને ચોક્કસ રંગની શાહીથી લખે છે. જેમાં સિંહાસન પર બેઠેલાનો દ્રષ્ટિકોણ જ ધ્યાનમાં રાખવાનો હોય છે. મહાપુરુષોએ જાત અનુભવે લખેલા વૃતાંતો આ કક્ષામાં નથી પડતા. એ જીવેલી કથા છે, સહન કરેલા દર્દ, પીડા, વ્યથા, સંઘર્ષનું આલેખન હોય છે. ભારતની આઝાદીની લડત ખુબ લાંબા કાલખંડ સુધી ચાલી હતી. અસંખ્ય દેશવાસીઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. એ લડતનું વર્ણન કરતું ઘણું સાહિત્ય તત્કાલિન અને ત્યારબાદ પણ રચાયું છે. સત્ય એ છે કે કોઈ ગમે એ કાર્ય કરી જાય, એ ત્યારે જ ગંતવ્ય પામે છે જયારે એ લખાય અને વંચાય છે. ઇતિહાસમાં ઘણા મહાપુરુષોએ પોતાની જીવનીથી લઈને સમકાલીન ઈતિહાસ લખ્યા છે. ગાંધી, નહેરુ, સરદાર, સાવરકર જેવા અનેકો આગેવાનોએ ઘણો સમય જેલમાં વ્યતીત કર્યો છે. સરદાર સિવાયના ઘણા મહાપુરુષોએ એ સંગ્રામ અને પોતાની ભૂમિકા અંગે વિસ્તારથી લખ્યું છે. કમભાગ્યે આઝાદી બાદ બધા લોક્નાયકો વંચાયા નથી. ગાંધી અને નેહરુ બાદ ત્રીજા કોઈને ઝટ દઈને સ્વીકારવામાં આવ્યા નથી. માત્ર આ બંને મહાનુભાવોના સાહિત્ય પર સરકારી થપ્પો લાગ્યો હતો. બીજા પ્રચુર સર્જનો કોરે પડ્યા રહ્યા હતા. એવા જ એક તથ્યો આધારિત ઈતિહાસ લખનાર વિશેષપુરુષ હતા, ડા. ભીમરાવ આંબેડકર. ૧) ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી. ૨) ધી ઇવોલ્યૂશન આૅફ પ્રાવિન્શિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા – હાર્મફૂલ ઇફેક્ટ્સ આૅફ ધ બ્રિટિશ સિસ્ટિમ આૅન્ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ. ૩) સ્મોલ હોલ્ડીન્ગ્સ ઇન ઇન્ડિયા. ૪) કાસ્ટસ્ ઇન ઇન્ડિયા, ધેર મિકૅનિઝમ, જેનિસિસ ઍન્ડ ડેવલપમેન્ટ ૫) એન્નીહીલેશન ઓફ કાસ્ટ ૬) ફેડરેશન વી. ફ્રીડમ અને ૭) થોટ્સ ઓન પાકિસ્તાન અને પાકિસ્તાન આૅર પાર્ટિશન આૅફ ઇન્ડિયા, જેટલું દમદાર અને દળદાર સર્જન એક હાંસિયામાં ધકેલાઈ ગયું. સરદાર માટે લખાયેલું જેમ લાંબા સમય સુધી પરદા પાછળ રહ્યું. હિન્દુસ્તાનમાં આઝાદ વાતાવરણ પામીને ફાલી ફૂલેલા જંતુઓ હિન્દુસ્તાનના સાવરકર, સુભાષચન્દ્ર બોઝ, સરદાર પટેલ અને ડા. આંબેડકર જેવા ઘણા ઈતિહાસ પુરુષોના સ્મરણ સામે વાંધો ઉઠાવી શકે એ હદની આઝાદી ભોગવી રહ્યા છે. રાજકીય નારાઓથી લઈને અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો સુધી અને સરકારી યોજનાઓથી લઈને જાહેર વ્યવસ્થાઓના નામકરણ સુધી એક વંશને બાદ કરતા ક્યાંય વજૂદ આપવામાં નથી આવ્યું. પોતાના ઈતિહાસપુરુષને વજૂદમાં રાખવાની જવાબદારી તેના વારસો અને ઉત્તરાધિકારીઓની હોય છે. લંડનની થેમ્સ નદીની વચ્ચે એક જર્મન જહાજ રાખવામાં આવેલ છે, એ જહાજ પ્રથમ વિશ્વયુધ્ધમાં અંગ્રેજ પ્રજાના જર્મનો પરના વિજયનું પ્રતિક છે. એ જહાજ દરેક અંગ્રેજને પોતાની વિજયગાથા યાદ કરાવતું રહે છે. એના વડવાઓ લડી મરીને જે ગૌરવવંતો ઈતિહાસ લખતા ગયા છે અને આવી વિજય પતાકાઓ લહેરાવતા ગયા છે, એ આજની મુક્ત હવામાં લહેરાતી જોઇને મગરૂર રહ્યા કરે છે. લંડનમાં જ બીજી એક જગ્યાએ હેવલોક કરીને એક અંગ્રેજનું પુતળું છે… નીચે લખેલ છે; એણે હિન્દુસ્તાનમાં બળવો શામાવ્યો હતો. શુરા સૈનિકોને બિરદાવવા એ પ્રજાની અને સત્તાની પુણ્ય ફરજ છે. સરદાર અને આંબેડકરના કિસ્સામાં ઈતિહાસ પુરુષોની એ ગતિ રહી કે પટેલ સમાજે સરદારને વાંચ્યા નથી અને દલિત સમાજે આંબેડકરને વાંચવાની તસ્દી લીધી નથી. એટલે બંને સમાજો અર્ધશિક્ષિત, અર્ધદીક્ષિત જેવા પોણીયા સમાજ આગેવાનોના હાથમાં જઈને પડ્યા છે. બંનેએ કરેલી લખેલી સ્પષ્ટતાઓ આજના નેતાઓના દ્વિઅર્થી નિવેદનો કરતા હજાર ગણી ચોખ્ખી હતી. એ જે લખી ગયા એવું જ જીવી ગયા અને ભાવિ પેઢી પ્રેરણા લઈને જીવી શકે તેવું લખી ગયા. એ પેઢી બદનસીબ રહી કે એણે વાંચ્યા નહિ. પરિણામ એ આવ્યું કે એમના સર્જનનો ખોટા ક્વોટ કરીને દુરુપયોગ શરુ થયો. આજે એ નેતાઓ જાણે છે કે આ બંને મહાપુરુષોના નામે નાતને ઉશ્કેરીને કામ લઇ શકાય તેમ છે, એમની દુકાન ચાલી રહી છે. ચૂંટણી જેવા સમયે ગલ્લો પણ તગડો થાય છે. થોટ્સ ઓન પાકિસ્તાનમાં ડો. આંબેડકર દ્વારા જે તથ્યો પુરાવાઓ, દ્રષ્ટાંતો, આંકડાઓ અને તત્કાલીન સમકાલીનોના વિચારો અને નિવેદનો સાથે આપવામાં આવ્યા છે એ કદાચિત કોઈ દ્વારા આપવામાં આવ્યા હોય. ડો. આંબેડકરે આ પુસ્તકમાં ભાગલા અંગે સાવરકરના વિચારોની બૃહદ ચર્ચા કરી છે. હિંદુ મહાસભાના અધ્યક્ષ તરીકેના તેમના આઝાદી અને આઝાદી ઉપરાંતના ખ્યાલને સ્થાન આપ્યું છે. આવા સ્પષ્ટ વક્તા અને લેખકને વાંચીને સ્પષ્ટ થઇ શકાય તો ફરીથી એમના વિશેનું કોઈ નિવેદન કે કોઈ શબ્દ એમની છબીને ખંડિત કરી શકતા નથી. કોઈ એમના વિષે ભ્રમ ફેલાવી શકાતો નથી. એમના વિષે ઉચ્ચારાયેલ નિવેદન કે અભિપ્રાયને એમના લખેલા શબ્દોના છાબડે મૂકીને તોળી શકાય છે.