મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ભયાનક અકસ્માત રાત્રે ૧૧.૩૦ વાગ્યે મુંબઈ-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભંડારા શહેર નજીક બેલા ખાતે થયો હતો. રાયપુરથી આવી રહેલી બોલેરો કાર નાગપુર તરફ જઈ રહી હતી. તેમાં ૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ બેલા ગામ નજીક હોટલ સાઈ પ્રસાદમાં ભોજન લેવા માટે હાઇવે પરથી વળી રહ્યા હતા, ત્યારે નાગપુર તરફથી આવી રહેલા એક ઝડપી ટ્રકે તેમને ટક્કર મારી. આમાં ચાર લોકોના મોત થયા હતા. ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ હતી.
ઘટનાની માહિતી મળતાં જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ભંડારા પોલીસ અને ગાડેગાંવ હાઇવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો. તેમણે કારમાંથી મૃતદેહો પણ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં શૈલેન્દ્ર બઘેલ, શૈલેષ ગોકુલપુરે, વિનોદ બિનેવર અને અશોક ધૈરવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘાયલ વ્યક્તિનું નામ અવિનાશ નાગટોડે છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં તાજેતરના ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે. ૧૮ એપ્રિલે પણ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બીએમસીનો કચરો ભરેલો ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ પહેલા ૧૫ એપ્રિલે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ખામગાંવ-નાંદુરા હાઇવે પર થયો હતો, જ્યાં મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસ અને ઇંટોથી ભરેલી ટ્રક વચ્ચે જારદાર ટક્કર થઈ હતી.
આ પહેલા, ૪ એપ્રિલના રોજ, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક દુઃખદ અકસ્માતમાં ૭ મહિલાઓના મોત થયા હતા. આ અકસ્માત નાંદેડના અલેગાંવ શિવરા ગામ પાસે થયો હતો. મજૂરોને લઈ જતી ટ્રેક્ટર ટ્રોલી કૂવામાં પડી જતાં સાત મહિલાઓના મોત થયા હતા.