મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપના ૨૫માંથી ૧૮ સભ્યોએ બળવો કરી પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. વિરૂદ્ધમાં મતદાન કરનારા સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એક માત્ર કોંગ્રેસના સભ્યએ પણ આપ્યો હતો. આમ, બજેટની વિરૂદ્ધમાં બહુમતી સધાઈ હતી.
મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ ત્યારથી ભાજપના નગરસેવકોમાં જૂથવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપના આંતરિક વિખવાદનો ભોગ મહુવાની જનતા બને છે અને શહેરનો વિકાસ અટકી જતાં શાસકોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
રોડ-રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોની સ્થિતિ સુધારવાની વાત તો ઘરે ગઈ પણ ભાજપના કાર્યકરો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંદરો-અંદરના ડખામાંથી જ નવરા પડતા નથી. તેનો તાદ્રશ્ય દાખલો નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં જાવા મળ્યો છે. સોમવારે મહુવા પાલિકામાં શાસક પક્ષે પાંચ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવા મુક્યું હતું.
સભામાં ભાજપના ૨૫માંથી ૮ સભ્ય અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૧૯ સભ્યએ બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના સાત અને સમાજવાદી પાર્ટીના પાંચ મળી ૧૨ સભ્યએ સમર્થનમાં વોટ આપ્યો હતો. સાધારણ સભા શરૂઆતથી જ તોફાની બની હતી અને ભાજપનો વિહીપ વાચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અસંતુષ્ટ સભ્યોએ એજન્ડા મુજબ કાર્યવાહી થતી ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
ભાજપના સભ્યોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, વર્તમાન પ્રમુખની વરણી સામે બહુમતી સભ્યોનો વિરોધ હતો તેમ છતાં પક્ષના આદેશને માન્ય રાખવામાં આવ્યો હતો. વરણીના સાડા ત્રણ માસ બાદ કમિટીની રચના માટે સામાન્ય સભા મળી હતી. તેમાં પક્ષના મેન્ડેટમાં પણ ગોલમાલ કરાઈ હતી.
આ ઉપરાંત અમુક કમિટીની રચના અને પ્રતિનિધિની નિમણૂકમાં આજદિન સુધી પ્રમુખે સહી ન કરી હોવાથી કમિટી કામ કરી શકતી નથી. પ્રમુખના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે પક્ષના મોવડીઓને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે અને એક માસમાં પ્રમુખ બદલવાની બાંહેધરી આપવામાં આવ્યાનો પણ ભાજપના સભ્યો તરફથી દાવો કરાયો છે. આમ, સાધારણ સભામાં ભાજપના વિખવાદે
રાજકારણ ગરમાવ્યું છે અને આગામી દિવસોમાં કોઈ નવા-જૂની થાય તો પણ નવાઈ નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.