“અરેરે! લાગે છે આજે પણ ભયાનક વાવાઝોડું આવવાનું છે. આકાશમાં કાળાંકાળાં વાદળા દોડાદોડ કરી રહ્યાં છે ને ચમચમ વીજળીય ઝબૂકે છે. શું આ ભારે પવન ને ધોધમાર વરસાદમાં ફરી મારું જાળું તૂટી જશે! શું ફરી મારી બધી મહેનત એળે જશે!” – પવનના સૂસવાટા, વીજળીના ચમકારા ને વાદળાનો ગડગડાટ સાંભળી કરોળિયાના મનમાં પણ વિચારોનું વાવાઝોડું ઊમટયું.
એક વખત એક કરોળિયો પોતાનું જાળું ગૂંથી રહ્યો હતો. તે ખૂબ મહેનત અને ધીરજથી એનું જાળું ગૂંથવાની મથામણ કરતો હતો. જાળું બાંધવું ને શિકાર પકડવો એ તેનું દરરોજનું કામ હતું. તે આ કામ ઘણી જ કુશળતાથી કરતો હતો.
જાળું તૈયાર થાય એટલે તે મનોમન ખુબ ખુશ થતો. પણ પવન કે વરસાદને કારણે એનું જાળું તૂટી જતું. તો ક્યારેક જાળામાં ફસાયેલા કોઈ જીવજંતુની છટકવાની હલનચલનથી તેનું જાળું તૂટી જતું. તે મહામહેનતે જાળું ગૂંથે ને થોડાક જ સમયમાં કોઈને કોઈ કારણોસર જાળું તૂટે. પણ આ તે કરોળિયો! હાર માને તો ને! તે જરાય નિરાશ ન થતો. જાળું તૂટે એટલે હિંમત સાથે ફરીથી કામ શરૂ કરી દેતો.
એક વખત કરોળિયાએ કોઈ જુદી જગ્યાએ જાળું બનાવવાનું વિચાર્યું. એણે એવી જગ્યા પસંદ કરી કે જ્યાં એનું જાળું લાંબો સમય ટકી રહે ને તૂટે નહિ. વળી પાછો તે જાળું બનાવવા લાગ્યો. આ વખતે તેણે વધુ સારું ને મજબૂત જાળું બનાવવાનું વિચાર્યું. પોતાના મજબૂત તાંતણા વડે તે વળી પાછો જાળું ગૂંથવા લાગ્યો. પરંતુ ભારે પવનમાં એણે બનાવેલું જાળું ફરીથી તૂટી ગયું. ઘડીભર કરોળિયો શાંત થઈ ગયો. પણ આ તે કરોળિયો! હાર માને તો ને! તે જરાય નિરાશ થયા વિના જાળું તૂટે એટલે હિંમત સાથે ફરીથી કામ શરૂ કરી દેતો.
કરોળિયાને આમ વારંવાર મહેનત કરતો જોઈ પેલા જીવજંતુ હસવા લાગ્યાં. એક જીવડું બોલ્યું, “આ કરોળિયો ગાંડો છે! વારંવાર જાળું તૂટે છે ને વારંવાર એ જાળું બનાવે છે! આ કરોળિયો આવી નકામી મહેનત શું કામ કરતો હશે!
તો વળી બીજું એક જીવડું બોલ્યું, “એનું જાળું ક્યારેય બનવાનું જ નથી ને ટકવાનુંય નથી. એ ભલે જાળું બનાવ્યા કરે; એ ભલે મહેનત કર્યા કરે પણ એનું જાળું બનવાનું જ નથી!” એમ બોલી જીવડું કરોળિયાની મહેનત પર હસવા લાગ્યું. પણ આ તે કરોળિયો! એ કોઈનીય વાત કાને ન ધરે. એ ભલો ને એનું કામ ભલું! જાળું બનેય ખરું ને જાળું તૂટેય ખરું! વારંવાર જાળું બનાવે ને વારંવાર જાળું તૂટે. એ મહેનત કર્યા જ કરે, કર્યા જ કરે. હાર માને જ નહીં ને જંપીને બેસેય નહીં.
પરંતુ હવે તેને લાગ્યું કે કદાચ જાળું બાંધવું ખૂબ મુશ્કેલ છે. પણ આ તે કરોળિયો! હાર માને તો ને! તે જરાય નિરાશ થયો નહી. વળી એ પોતાના કામમાં લાગી ગયો. જાળું તૈયાર થવામાં જ હતું. ત્યાં વળી જોરદાર પવન ફૂંકાયો ને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભારે પવનમાં એનું જાળું હાલકડોલક થતું હતું. જાળાની વચ્ચે કરોળિયો પણ ઝૂલતો હતો. આ વખતે એનું જાળું પવન અને વરસાદને ટક્કર આપી રહ્યું હતું. એનું જાળું એટલું મજબૂત બન્યું કે પવન અને વરસાદ સામે તે ટકી રહ્યું. આખરે તેની ધીરજ અને મહેનતે રંગ રાખ્યો. કરોળિયોના આનંદનો પાર ન હતો. તે આનંદથી ઝૂલવા લાગ્યો. આજે એનું જાળું ટકી ગયું. પછી તો એના જાળામાં ઘણાં જીવજંતુઓ ફસાયાં. એની એણે પેટ ભરીને મિજબાની માણી. આખરે કરોળિયાની મહેનત ફળી.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭